પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતી. આ મારો પહેલા વર્ષનો સમય હતો - વેંતનર પહેલાંનો. અહીં ખાણામાં વાનીઓના ખરડામાં બધાં નામો ફ્રેંચ ભાષામાં હતાં. હું તે ન સમજું. આ ડોશી બેઠી હતી તે જ ટેબલે હુંપણ હતો. ડોશીએ જોયું કે હું અજાણ્યો છું ને કંઈક ગભરાટમાં પણ છું. તેણે વાત શરૂ કરી.

’તમે અજાણ્યા લાગો છો. તમે કાંઈક મૂંઝવણમાં છો. તમે કંઈ ખાવાનું હજી નથી મંગાવ્યું !’

હું પેલો વાનીઓનો ખરડો વાંચી રહ્યો હતો ને પીરસનારને પૂછવાની તૈયારી કરી રહ્યો હતો. એટલે મેં આ ભલી બાઈનો ઉપકાર માન્યો અને કહ્યું, ’આ ખરડો હું સમજતો નથી ને હું અન્નાહારી હોઈ કઈ વસ્તુઓ નિર્દોષ છે એ મારે જાણવું રહ્યું.’

પેલી બાઈ બોલી, ’ત્યારે લો તમને મદદ કરું ને ખરડો હું સમજાવું. તમારાથી ખાઈ શકાય એવી વસ્તુઓ હું તમને બતાવી શકીશ.’

મેં તેની મદદ સાભાર સ્વીકારી. અહીંથી અમારો સંબંધ થયો તે હું જ્યાં સુધી વિલાયતમાં રહ્યો ત્યાં સુધી અને ત્યાર બાદ પણ વરસો લગી નભ્યો. તેણે લંડનનું પોતાનું ઠેકાણું આપ્યું ને મને દર રવિવારે પોતાને ત્યાં ખાવા જવાને નોતર્યો. પોતાને ત્યાં બીજા અવસર આવે ત્યારે પણ મને બોલાવે, ચાહીને મારી શરમ મુકાવે, જુવાન સ્ત્રીઓની ઓળખાણ કરાવે ને તેમની સાથે વાતો કરવા લલચાવે. એક બાઈ તેને ત્યાં જ રહેતી. તેની સાથે બહુ વાતો કરાવે. કોઈ વેળા અમને એકલાં પણ છોડે.

પ્રથમ મને આ બધું વસમું લાગ્યું. વાતો કરવાનું ન સૂઝે. વિનોદ પણ શું કરાય ? પણ પેલી બાઈ મને પાવરધો કરતી રહે. હું ઘડાવા લાગ્યો. દર રવિવારની રાહ જોઉં. પેલી બાઈની સાથે વાતો પણ ગમવા લાગી.

ડોશી પણ મને લોભાવ્યે જાય. તેને આ સોબતમાં રસ લાગ્યો. તેણે તો અમારું બંનેનું ભલું જ ચાહ્યું હશે.

હવે હું શું કરું ? મેં વિચાર્યું : ’જો મેં આ ભલી બાઈને મારા વિવાહની વાત કરી દીધી હોત તો કેવું સારું ? તો તે મારા કોઈની સાથે પરણવાની વાત ઇચ્છત ? હજુ પણ મોડું નથી. હું સત્ય કહી દઉં તો વધારે સંકટમાંથી ઊગરી જઈશ.’ આમ ધારી મેં તેને કાગળ લખ્યો. મને યાદ છે તે પ્રમાણે તેનો સાર આપું છું :