પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પૂર્વે એવા ભયમાંથી હું બચ્યો તેનું પૃથક્કરણ કરી શકાય તેમ નથી. મારી તે વેળા બહુ નાની ઉંમર ગણાય.

પણ હવે મારી ઉંમર વીસ વર્ષની હતી. ગૃહસ્થાશ્રમનો ઠીક અનુભવ મેળવ્યો હતો.

ઘણું કરીને મારા વિલાયતના વસવાટના છેંલ્લા વર્ષમાં, એટલે ૧૮૯૦ની સાલમાં, પોર્ટસ્મથમાં અન્નાહારીઓનું સંમેલન હતું, તેમાં મને અને એક હિંદી મિત્રને આમંત્રણ હતું. અમે બંને ત્યાં ગયા. અમને બંનેને એક બાઈને ત્યાં ઉતારો આપવામાં આવ્યો હતો.

પોર્ટસ્મથ ખલાસીઓનું બંદર ગણાય છે. ત્યાં ઘણાં ઘરો દુરાચરણી સ્રીઓનાં હોય છે. તે સ્રીઓ વેશ્યા નહીં તેમ નિર્દોષ પણ નહીં. આવા જ એક ઘરમાં અમારો ઉતારો હતો. સ્વાગતમંડળે ઈરાદાપૂર્વક એવાં ઘર શોઘેલાં એમ કહેવાનો આશય નથી. પણ પોર્ટસ્મથ જેવા બંદરમાં જયારે મુસાફરોને રાખવા સારુ ઉતારા શોઘવામાં આવે ત્યારે કયાં ઘર સારાં અને કયાં નઠારાં એ કહેવું મુશ્કેલ જ થઇ પડે.

રાત પડી. અમે સભામાંથી ઘેર આવ્યા. જમીને પાનાં રમવા બેઠા. વિલાયતમાં સારાં ઘરોમાં પણ આમ મહેમાનોની સાથે ગૃહિણી પાનાં રમવા બેસે. પાનાં રમતાં નિર્દોષ વિનોદ સહુ કરે. અહીં બીભત્સ વિનોદ શરૂ થયો. મારા સાથી તેમાં નિપુણ હતો એ હું નહોતો જાણતો. મને આ વિનોદમાં રસ પડયો, હું પણ ભળ્યો. વાણીમાંથી ચેષ્ટામાં ઊતરી પડવાની તૈયારી હતી. પાનાં એક કોરે રહેવાની તૈયારીમાં હતાં. પણ મારા ભલા સાથીના મનમાં રામ વસ્યા, તે બોલ્યા, 'અલ્યા, તારામાં આ કળજુગ કેવો ! તારું એ કામ નહીં. તું ભાગ અહીંથી. '

હું શરમાયો, ચેત્યો. હૃદયમાં આ મિત્રનો ઉપકાર માન્યો. માતાની પાસે લીધેલી પ્રતિજ્ઞા યાદ આવી. હું ભાગ્યો, મારી કોટડીમાં ધ્રૂજતો ધ્રૂજતો પહોંચ્યો. છાતી થડકતી હતી. કાતિલના હાથમાંથી બચીને કોઈ શિકાર છૂટે ને તેની જેવી સ્થિતિ હોય તેવી મારી હતી.

પરસ્ત્રીને જોઈને વિકારવશ થયાનો અને તેની સાથેં રમત રમવાની ઇચ્છા થયાનો આ પહેલો પ્રસંગ હતો એમ મને ભાન છે. મારી રાત્રિ ઊંધ વિનાની ગઇ. અનેક પ્રકારના વિચારોએ મારા ઉપર હુમલો કર્યો.