પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘર છોંડું ? ભાગું ? હું કયાં છું ? હું સાવધાન ન રહું તો મારા શા હાલ થાય ? મેં ખૂબ ચેતીને વર્તવાનો નિશ્વય કર્યો. ઘર ન છોડંવું. પણ જેમ તેમ કરીને પોર્ટસ્મથ ઝટ છોડી દેવું એટલું ધાર્યું. સંમેલન બે દિવસથી વધારે લંબાવાનું ન હતું. એટલે મને સ્મરણ છે તે પ્રમાણે, મેં બીજે જ દિવસે પોર્ટસ્મથ છોડયું. મારા સાથી પોર્ટસ્મથ માં થોડા દહાડા રોકાયા.

ધર્મ શું છે, ઇશ્વર શું છે, તે આપણામાં કેવી રીતે કામ કરે છે, તે કંઈ હું તે વખતે જાણતો નહોતો. ઈશ્વરે મને બચાવ્યો એમ લૌકિક રીતે હું તે વખતે સમજ્યો. પણ મને વિવિધ ક્ષેત્રોના એવા અનુભવો થયા છે. 'ઇશ્વરે ઉગાર્યો' એ વાક્યનો અર્થ આજે હું બહુ સમજતો થયો છું એમ જાણું છું. પણ સાથે એ પણ જાણું છું કે એ વાકયની પૂરી કિંમત હજી આંકી શકયો નથી. અનુભવે જ તે અંકાય. પણ ઘણા આધ્યાત્મિક પ્રસંગોમાં, વકીલાતના પ્રસંગોમાં, સંસ્થાઓ ચલાવવામાં, રાજ્યપ્રકરણમાં, હું કહી શકું છું કે 'મને ઇશ્વરે બચાવ્યો છે.' જયારે બધી આશા છોડીને બેસીએ, બંને હાથ હેઠા પડે, ત્યારે કયાંક ને કયાંકથી મદદ આવીને પડે છે એમ મેં અનુભવ્યું છે. સ્તુતિ, ઉપાસના, પ્રાર્થના એ વહેમ નથીં, પણ આપણે ખાઇએ છીએ, પીએ છીએ, ચાલીએ બેસીએ છીએ, એ બધું જેટલું સાચું છે તેના કરતાંયે એ વધારે સાચી વસ્તુ છે. એ જ સાચું છે, બીજું બધું ખોટું છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી.

આવી ઉપાસના, આવી પ્રાર્થના, એ કંઇ વાણીના વૈભવ નથી. તેનું મૂળ કંઠ નથી પણ હૃદય છે. તેથી જો આપણે હૃદયની નિર્મળતાને પહોંચીએ, ત્યાં રહેલા તારોને સુસંગઠિત રાખીએ, તો તેમાંથી જે સૂર નીકળે છે તે સૂર ગગનગામી બને છે. તેને સારુ જીભની આવશ્યકતા નથી. એ સ્વભાવે જ અદ્‌ભુત વસ્તુ છે. વિકારોરૂપી મળોની શુદ્ધિ કરવાને સારુ હાર્દિક ઉપાસના જડીબુટ્ટી છે, એ વિષે મને શંકા જ નથી. પણ તે પ્રસાદીને સારુ આપણામાં સંપૂર્ણ નમ્રતા જોઇએ.