પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નિખાલસતા પણ તેટલી જ હતી. અભિમાનનું નામ નહોતું. પોતાની લેખક તરીકેની શક્તિ વિષે જોઈએ તેના કરતાં પણ વધારે વિશ્વાસ હતો.

અમે રોજ મળતા. અમારી વચ્ચે વિચાર તેમ જ આચારનું સામ્ય ઠીક હતું. બન્ને અન્નાહાર કરનારા હતા. બપોરના ઘણી વેળા સાથે જમીએ. આ મારો અઠવાડિયાના સત્તર શિલિંગમાં રહેવાનો ને સ્વયંપાક કરવાનો કાળ હતો. હું અંગ્રેજી ઢબની રસોઈ કરું. તેમને દેશી ઢબ વિના સંતોષ ન જ વળે. દાળ જોઈએ જ. હું ગાજર ઈત્યાદિનો સૂપ બનાવું તેથી મારી દયા ખાય. તેમણે મગ ક્યાંકથી શોધી કાઢ્યા હતા. એક દિવસે મારે સારુ મગ રાંધીને લાવ્યા ને મેં અત્યંત સ્વાદથી ખાધા. પછી તો અમારે આવી આપલે કરવાનો વ્યવહાર વધ્યો. હું મારી વાનગી તેમને ચખાડું ને તે મને પોતાની ચખાડે.

આ સમયે કાર્ડિનલ મૅનિંગનું નામ સહુને મુખે હતું. ગોદીના મજૂરોની હડતાળ હતી. જૉન બર્ન્સ અને કાર્ડિનલ મૅનિંગના પ્રયત્નથી હડતાળ વહેલી બંધ થઈ. કાર્ડિનલ મૅનિંગની સાદાઈ વિષે ડિઝરાયેલીએ લખ્યું હતું તે મેં નારાયણ હેમચંદ્રને સંભળાવ્યું.

'ત્યારે મારે તો એ સાધુપુરુષને મળવું જોઈએ.'

'એ તો બહુ મોટા માણસ રહ્યા. તમને કેમ મળશે?'

'હું બતાવું તેમ. તમારે મારે નામે કાગળ લખવો. હું લેખક છું એવી ઓળખાણ આપજો. તેમના પરોપકારી કાર્યનો ધન્યવાદ જાતે આપવા મારે મળવું છે એમ લખજો. ને એમ પણ લખજો કે, મને અંગ્રેજી વાત કરતાં ન આવડે તેથી મારે તમને દુભાષિયા તરીકે લઈ જવા પડશે.'

મેં એવા પ્રકારનો કાગળ લખ્યો. કાર્ડિનલ મૅનિંગનો જવાબ બે ત્રણ દહાડામાં એક પત્તામાં આવ્યો. તેમણે મળવાનો સમય આપ્યો.

અમે બંને ગયા. મેં તો દસ્તૂર મુજબ મુલાકાતી કપડાં પહેર્યાં. નારાયણ હેમચંદ્ર તો જેવા હતા તેવા જ: એ જ કોટ ને એ જ પાટલૂન. મેં વિનોદ કર્યો. તેમણે મને હસી કાઢ્યો ને બોલ્યા:

'તમે સુધરેલા બધા બીકણ છો. મહાપુરુષો કોઈના પોશાક સામું નથી જોતા. તેઓ તો તેના હૃદયને તપાસે છે.'