પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘૂંટણે પડીને પ્રાર્થના કરનરા ઉપાસકો આરસના પથ્થરને નહોતા પૂજતા, પણ તેમાં રહેલ્કી તેમની કલ્પનાની શક્તિને પૂજતા હતા. તેથી તેઓ ઈશ્વરનો મહિમા ઓછો નહોતા કરતા પણ વધારતા હતા, એવી અસર મારાઅ મન ઉપર થવાનું ઝાંખુ સ્મરણ મને આજ પણ છે.

એફિલ ટાવર વિષે બે બોલ આવશ્યક છે. એફિલ ટાવર હાલશો અર્થ સારે છે એ હું નથી જાણતો. પ્રદર્શનમાં ગયા પછી પ્રદર્શન વિષે વર્ણનો તો વાંચવામાં આવે જ. તેમાં તેની સ્તુતિ પણ સાંભળી ને નિંદા પણ સાંભળી. નિંદા કરનારામાં અગ્રેસર ટૉલસ્ટોય હતા એવું મને યાદ છે. તેમણે લખેલું કે એફિલ ટાવર મનુષ્યની મૂર્ખાઈનું ચિહ્ન છે, તેના જ્ઞાનનુમ્ પરિણામ નથી. તેમના લેખમાં તેમણે જણાવ્યું હતું કે, દુનિયાના ચાલતા ઘણા નશાઓમાં તમાકુનું વ્યસન એક રીતે સહુથી ખરાબ છે. જે કુકર્મ કરવાની હિંમત દારૂ પીવાથી ન આવે તે બીડી પીવાથી આવે છે. દારૂ પીનાર ગાંડો બને છે, જ્યારે બીડી પીનારની અક્કલને ધૂમસ ચડે છે. ને તેથી તે હવાઈ કિલ્લા બાંધવા મંડી જાય છે. એફિલ ટાવર આવા વ્યસનનું પરિણામ છે એવો ટૉલસ્ટૉયે પોતાનો અભિપ્રાય જાહેર કર્યો હતો.

એફિલ ટાવરમાં કશું સૌંદર્ય તો નથી જ. પ્રદર્શનને તેણે કશી શોભા આપી એમ ન કહી શકાય. એક નવી વસ્તુ છે, તે જોવાને હકારો માણસો ચડ્યા. એ ટાવર પ્રદર્શનનું એક રમકડું હતું. ને જ્યાં સુધી આપણે મોહને વશ છીએ ત્યાં સુધી આપણે પણ બાળક છીએ, એ વસ્તુ આ ટાવર સારી રીતે સિદ્ધ કરે છે એ તેની ઉપયોગિતા ભલે મનાઓ.


૨૪. બારિસ્ટર તો થયા—પણ પછી?

જે કામ—બારિસ્ટર થવા—ને સારુ હું વિલાયત ગયો હતો તેનું મેં શું કર્યું એનું વર્ણન મેં આટલે લગી મુલતવી રાખ્યું છે. હવે તેને વિષે કંઈક લખવાનો સમય આવ્યો છે.

બારિસ્ટર થવા સારુ બે વસ્તુની જરૂર હતી. એક તો ’ટર્મ ભરવી’ એટલે સત્ર સાચવવાં. વર્ષમાં ચાર સત્ર હોય. એવા બાર સાચવવાં. બીજી વસ્તુ કાયદાની પરીક્ષા આપવી. સત્ર સાચવવાં એનો અર્થ ’ખાણાં ખાવાં’, એટલે કે, દરેક સત્રમાં લગભગ ચોવીસ ખાણાં હોય તેમાંથી છ ખાવાં.