પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખાણાં ખાવાં એટલે ખાવું જ એવો નિયમ નહીં; પન નીમેલે વખતે હાજર થવું ને ખાણું પૂરું થવાનો વખત થાય ત્યાં સુધી બેઠા રહેવું. સામાન્ય રીતે તો સૌ ખાય ને પીએ જ. ખાણામાં સારી સારી વાનીઓ હોય, ને પીવામાં સારો ગણાતો દારૂ હોય. તેનું દામ અલબત્ત આપવાનું જ. તે અઢીથી સાડા ત્રણ શિલિંગ હોય, એટલે બેત્રણ રૂપિયાનું ખર્ચ થયું. આ દામ ત્યાં ઘણું ઓછું ગણાય, કેમ કે બહારની વીશીમાં એવું ખાણું લેનારને દારૂના જ લગભગ એટલા પૈસા પડે. ખાવાના ખર્ચ કરતાં દારૂ પીનારને પીવાનું ખર્ચ વધારે હોય છે એ વાત આપણને હિંદુસ્તાનમાં—જો ’સુધર્યા’ ન હોઈએ તો—આશ્ચર્યજનક લાગે. મને વિલાયત જતાં આ જ્ઞાનથી પુષ્કળ આઘાત પહોંચેલો; ને દારૂ પીવાની પાછળ એટલા પૈસા બરબાદ કરતાં લોકોનો જીવ કેમ ચાલતો હશે એ ન સમજાતું. પાછળથી સમજતાં શીખ્યો ! હું આરંભકાળમાં કંઈ જ ન ખાતો. કેમ કે મને ખપે એવું તો માત્ર રોતી, બાફેલાં પટેટાં ને કોબી હોય. આરંભમાં તો તે ન ગમ્યાંતેથી ન ખાધાં; પાછળથી જ્યારે તેમાં સ્વાદ જોઈ શક્યો ત્યારે તો બીજી વાનીઓ પણ મેળવવાની શક્તિ મારામાં આવી ગઈ હતી.

વિદ્યાર્થીઓને સારુ એક જાતનું ખાણું ને ’બેન્ચરો’ (વિદ્યામંદિરના વડાઓ)ને સારુ બીજું ને ભારે ખાણું હોય. મારી સાથે એક પારસી વિદ્યાર્થી હતા તે પણ અન્નાહારી બન્યા હતા. અમે બંનેએ અન્નાહારના પ્રચારાર્થે બેન્ચરના ખાણામાંથી અન્નાહારીને ખપતા પદાર્થોની અરજી કરી. તે અરજી મંજૂર રહી, એટલે અમને બેન્ચરના તેબલ ઉપરથી ફળાદિ અને બીજાં શાક મળવા લાગ્યાં.

દારૂ તો મને ન ખપે. ચાર જણ વચ્ચે દારૂની બે બાટલીઓ મળે. એટલે મારી માગણી ઘણી ચોકડીઓમાં થાય. હું ન પીઉં એટલે બાકીના ત્રણ વચ્ચે બે બોટલ ’ઊડે’ ના ! વળી આ સત્રોમાં એક ભારે રાત (ગ્રાન્ડ નાઈટ) થાય. તે દહાડે ’પોર્ટ’, ’શેરી’, ઉપરાંત ’શૅમ્પેન’ દારૂ મળે. ’શૅમ્પેન’ની લહેજત કંઈ ઓર જ ગણાય છે. તેથી આ ભારે રાતે મારી કિંમત વધારે અંકાય ને તે રાતે હાજરી ભરવાનું મને નિમંત્રણ પણ મળે.

આ ખાણાંપીણાંથી બારિસ્ટરીમાં શો વધારો થઈ શકે એ હું ન ત્યારે જોઈ શક્યો, ન પાછળથી. એવો એક સમય હતો ખરો કે જ્યારે આ