પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખાણામાં થોડા જ વિદ્યાર્થીઓ હતા ને તેઓ તથા બેન્ચરો વચ્ચે વાર્તાલાપ થતો ને ભાષણો પણ થતાં. આમાંથી તેઓ વ્યવહારજ્ઞાન મેળવી શકતા, સારી માઠી પણ એક પ્રકારની સભ્યતા કેળવતા, અને ભાષણ કરવાની શક્તિ વધારતા. આ બધું મારા વખતમાં તો અશક્ય જ હતું. બેન્ચરો તો છેટે અસ્પૃશ્ય થઈ બેઠા હોય. આ જૂના રિવાજનો પાછળથી કશો અર્થ ન રહ્યો. છતાં તે પ્રાચીનતાપ્રેમી—ધીમા—ઇંગ્લંડમાં રહી ગયો.

કાયદાનો અભ્યાસ સહેલો હતો. બારિસ્ટરો વિનોદમાં ’ડિનર (ખાણાના) બારિસ્ટર’ તરીકે જ ગણાતા. સહુ જાણતા કે પરીક્ષાની કિંમત નહીં જેવી હતી. મારા સમયમાં બે પરીક્ષાઓ હતી : રોમન લૉ અને ઇંગ્લંડના કાયદા. બે કકડે અપાતી આ પરીક્ષાનાં પુસ્તકો મુકર્ર હતાં. પણ તે તો ભાગ્યે જ કોઈ વાંચે. રોમન લૉને સારુ નાની નૉંધો લખાયેલી તે પંદર દિવસમાં વાંચીને પાસ થનારને મેં જોયેલા. તેવું જ ઇંગ્લંડના કાયદા વિષે. તેની નોંધપોથીઓ બે ત્રણ માસમાં પૂરું કરતા વિદ્યાર્થીઓને પણ મેં જોયેલા. પરીક્ષાના સવાલો સહેલા, પરીક્ષકો ઉદાર. રોમન લૉમાં પાસના ૯૫ થી ૯૯ ટકા આવતા ને છેલ્લી પરીક્ષામાં ૭૫ અથવા તેથી ઉપરાંત એટલે નાપાસ થવાનો ભય બહુ થોડો. વળી પરીક્ષા વર્ષમાં એક નહીં પણ ચાર હોય. આવી સગવડોવાળી પરીક્ષા કોઈને બોજારૂપ ન જ લાગે.

પણ મેં તેને બોજારૂપ કરી મૂકી. મને લાગ્યું કે મારે અસલ પુસ્તકો વાંચી જ જવા જોઈએ. ન વાંચવામાં મને છેતરપિંડી લાગી. તેથી મેં તો અસલ પુસ્તકો ખરીદી ઠીક ખર્ચ કર્યું. ’રોમન લૉ’ લૅટિનમાં વાંચી જવાનો નિશ્ચય કર્યો. વિલાયતની મૅટ્રિક્યુલેશનમાં હું લૅટિન શીખેલો તેનો અહીં ઉપયોગ થયો. આ વાચન વ્યર્થ ન ગયું. દક્ષિણ આફ્રિકામાં રોમન ડચ લૉ પ્રમાણભૂત હોય છે. તે સમજવામાં મને જસ્ટિનિયનનું વાચન બહુ ઉપયોગી થઈ પડ્યું.

ઇંગ્લંડના કાયદાનું વાચન હું નવ માસમાં ઠીક મહેનતે પૂરું કરી શક્યો. કેમ કે બૂમના ’કૉમન લૉ’નું મોટું પણ રસિક પુસ્તક વાંચતાં જ ઠીક ઠીક વખત ગયો. સ્નેલની ’ઈક્વિટી’માં રસ આવ્યો, પણ સમજતાં દમ નીકળ્યો. વ્હાઇટને ટ્યૂડરના મુખ્ય કેસોમાંના જે વાંચવાના હતા તે વાંચતાં મને ગમ્મત પડી ને જ્ઞાન પણ મળ્યું. વિલિયમ્સ ને એડવર્ડઝ્‌નાં