પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ્થાવર મિલકત ઉપરનાં પુસ્તક અને ગુડીવનું જંગમ મિલકતનું પુસ્તક હું રસપૂર્વક વાંચી શક્યો. વિલિયમ્સનું પુસ્તક તો મને નવલકથા જેવું લાગ્યું. તે વાંચતાં કંટાળો જ ન આવ્યો. કાયદાનાં પુસ્તકોમાં તેટલા જ રસથી તો હિંદુસ્તાન આવ્યા પછી હું મેઈનનો ’હિંદુ લૉ’ વાંચી શકેલો. પણ હિંદુસ્તાનના કાયદાની વાત અહીં નહીં કરું.

પરીક્ષાઓ પસાર કરી. ૧૮૯૧નો દસમી જૂને હું બારિસ્ટર કહેવાયો, અગિયારમીએ ઇંગ્લંડની હાઈકોર્ટમાં અઢી શિંલિંગ આપી મારું નામ નોંધાવ્યું, બારમી જૂને હિંદુસ્તાન તરફ પાછો વળ્યો.

પણ મારી નિરાશા અને ભીતિનો પાર નહોતો. કાયદાઓ વાંચ્યા તો ખરા, પણ હું વકીલાત કરી શકું એવું તો મને કંઈ જ નથી આવડ્યું એમ લાગ્યું.

આ વ્યથાના વર્ણનને સારુ નોખું પ્રકરણ જોઈએ.


૨૫. મારી મૂંઝવણ

બારિસ્ટર કહેવાવું સહેલું લાગ્યું, પણ બારિસ્ટરું કરવું અધરું જણાયું. કાયદાઓ વાંચ્યા પણ વકીલાત કરવાનું ન શીખ્યો. કાયદામાં મેં કેટલાક ધર્મસિદ્ધાંતો વાંચ્યા તે ગમ્યા. પણ તેમનો ધંધામાં કેમ ઉપયોગ કરી શકાશે એ સમજ ન પડી. 'તમારું જે હોય તે એવી રીતે વાપરો કે જેથી બીજાની મિલકતને નુકસાન ન પહોંચે.' આ તો ધર્મવચન છે. પણ તેનો, વકિલાતનો ધંધો કરતાં અસીલના કેસમાં કેમ ઉપયોગ કરી શકાતો હશે એની ગમ ન પડી. જેમાં એ સિદ્ધાંતનો ઉપયોગ થયો હતો એવા કેસ વાંચી ગયો હતો, પણ તેમાંથી એ સિદ્ધાંત લાગુ પાડવાની યુક્તિ મને ન જડી.

વળી હિંદુસ્તાનના કાયદાનું તો વાંચેલા કાયદામાં નામ સરખુંયે નહોતું. હિંદુ શાસ્ત્ર, ઇસ્લામી કાનૂન કેવા હશે એયે ન જ જાણ્યું. દાવાઅરજી ઘડતાં ન શીખ્યો. હું તો ખૂબ મૂંઝાયો. ફિરોજશા મહેતાનું નામ સાંભળ્યું હતું. એ અદાલતોમાં સિંહની જેમ ગર્જના કરે છે તે વિલાયતમાં કઈ રીતે શીખ્યા હશે ? તેમના જેટલી હોશિયારી તો આ જન્મે આવવાની નથી જ, પણ વકીલ તરીકે આજીવિકા મેળવવાની શક્તિ આવવા વિષે પણ મને મહા શંકા પેદા થઈ.