પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ ગડમથલ કાયદાનો મારો અભ્યાસ ચાલી રહ્યો હતો તે દરમ્યાન જ ચાલતી હતી. મારી મુશ્કેલીઓ એક બે મિત્રોને જણાવી. તેમણે દાદાભાઈની સલાહ લેવા સૂચવ્યું. દાદાભાઈ ઉપર મારી પાસે કાગળ હતો એ તો હું અગાઉ લખી ચૂકયો છું. એ કાગળનો ઉપયોગ મેં મોડો કર્યો.એવા મહાન પુરુષને મળવા જવાનો મને શો અધિકાર હોય? તેમનું કયાંક ભાષણ હોય તો હું સાંભળવા જાઉં ને એક ખૂણે બેસી આંખ ને કાનને તૃપ્ત કરી ચાલ્યો આવું. તેમણે વિધાર્થીઓના સમાગમમાં આવવા સારુ એક મંડળ પણ સ્થાપ્યું હતું. તેમાં હું હાજરી ભરતો. દાદાભાઈની વિદ્યાર્થીઓ પ્રત્યેની કાળજી જોઈ તેમ જ વિદ્યાર્થીઓનો તેમના પ્રત્યેનો આદર જોઈ હું આનંદ પામતો. છેવટે તેમને પેલો ભલામણપત્ર આપવાની હિંમત તો મેં કરી. તેમને મળ્યો. તેમણે મને કહેલું: 'તારે મને મળવું હોય ને કંઈ સલાહ જોઇતી હોય તો જરૂર મળજે.' પણ મે તેમને કદી તસ્દી ન આપી. બહુ ભીડ વિના તેમનો વખત રોકવો મને પાપ લાગ્યું. એટલે મજકૂર મિત્રની સલાહને વશ થઇ દાદાભાઈની પાસે મારી મુશ્કેલીઓ રજૂ કરવાની મારી હિંમત ન ચાલી.

તે જ મિત્ર કે કોઈ બીજાએ મિ. ફ્રેડરિક પિકટને મળવાની મને સૂચના કરી. મિ. પિકટ કૉન્ઝરવેટિવ પક્ષના હતા. પણ તેમનો હિંદીઓ પ્રત્યેનો પ્રેમ નિર્મળ ને નિ:સ્વાર્થ હતો. ઘણા વિદ્યાર્થીઓ તેમની સલાહ લેતા. તેથી તેમને ચિઠ્ઠી લખી મેં મળવાનો વખત માગ્યો તેમણે વખત આપ્યો. તેમને મળ્યો. આ મુલાકાત હું કદી ભૂલી નથી શકયો. મિત્રની જેમ તેઓ મને મળ્યા. મારી નિરાશાને તો તેમણે હસી જ કાઢી. 'તું એમ માને છે કે બધાને ફિરોજશા મહેતા થવાની જરૂર છે ? ફિરોજશા કે બદરુદ્દીન એક બે જ હોય. તું ખચીત માનજે કે સામાન્ય વકીલ થવામાં ભારે હોશિયારીની જરૂર નથી હોતી. સામાન્ય પ્રામાણિકતાથી ને ખંતથી મનુષ્ય વકીલાતનો ધંધો સુખેથી ચલાવી શકે. બધા કેસોમાં કંઈ આંટીધૂંટીઓ નથી હોતી. વારુ, તારું સામાન્ય વાચન શું છે ?'

મેં જ્યારે મારા વાચનની વાત કરી ત્યારે તેઓ જરા નિરાશ થયા એમ મેં જોયું. પણ તે નિરાશા ક્ષણિક હતી. તુંરત પાછું તેમના ચહેરા ઉપર હાસ્ય છવાયું ને તેઓ બોલ્યા: