પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એટલે, જો કે હું રાયચંદભાઈને મારા હૃદયના સ્વામી ન બનાવી શક્યો તોપણ તેમનો અશ્રય મને વખતોવખત કેમ મળ્યો છે તે આપણે હવે પછી જોઈશું. અહીં તો એટલું કહેવું બસ થશે કે, મારા જીવન પર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે : રાયચંદભાઈએ તેમના જીવંત સંસર્ગથી, ટૉલ્સ્ટૉયે તેમના ’વૈકુંઠ તારા હૃદયમાં છે’ નામના પુસ્તકથી, ને રસ્કિને ’અન ટુ ધિસ લાસ્ટ’ - સર્વોદય નામના પુસ્તકથી મને ચકિત કર્યો. પણ આ પ્રસંગો તે તે સ્થળે ચર્ચાશે.

૨. સંસારપ્રવેશ

વડીલ ભાઇએ તો મારા ઉપર ઘણી આશાઓ બાંધેલી. તેમને પૈસાનો, કિર્તિનો અને હોદ્દાનો પુષ્કળ લોભ હતો. તેમનુ હ્રદય બાદશાહી હતુ. ઉદારતા ઉડાઉપણા સુધી તેમને લઈ જતી. આથી તેમ જ તેમના ભોળપણાથી તેમને મિત્રો કરતાં વાર ન લાગતી. આ મિત્રવર્ગની મારફત તેઓ મારે સારૂ કેસો લાવવાના હતા. હું કમાણી ખુબ કરવાનો છુ એમ પણ એમણે માની લીધુ હતુ, અને તેથી ઘરખર્ચ વધારી મુક્યું હતુ. મારે સારૂ વકીલાત નુ ક્ષેત્ર પણ તૈયાર કરવામાં પોતે બાકી નહોતી રાખી.

જ્ઞાતિનો ઝગડો ઊભો જ હતો. બે તડ પડી ગયા હતાં. એક પક્ષે મને તુરંત નાતમાં લઇ લીધો. બીજો પક્ષ ન લેવા તરફ ચુસ્ત રહ્યો. નાતમાં લેનાર પક્ષને સંતોષવા ખાતર રાજકોટ લઈ જતાં પહેલાં ભાઈ મને નાસિક લઈ ગયા. ત્યાં ગંગાસ્નાન કરાવ્યુ, ને રાજકોટમાં પહોંચતા નાત જમાડી.

આ કામમાં મને રસ ન પડ્યો. વડીલ ભાઈનો મારા પ્રત્યેનો પ્રેમ અગાધ હતો, મારી ભક્તિ તેટલી રજ હતી એમ મને પ્રતીતિ છે; તેથી તેમની ઈચ્છાને હુકમરૂપ સમજીને હું યંત્રની જેમ વગર સમજ્યે તેમની ઈચ્છાને અનુકૂળ થતો રહ્યો. નાતનુ કામ આટલેથી થાળે પડ્યુ.

જે તડથી હું નાતબહાર રહ્યો તેમાં પ્રવેશ કરવા મેં કદી પ્રયત્ન ન કર્યો. ન મેં નાતના કોઈ પણ શેઠ પ્રત્યે મનમાંયે રોષ કર્યો. મારા પ્રત્યે તિરસ્કારની નજરે જોનાર પણ તેમાં હતા. તેઓની સાથે નમીને ચાલતો. નાતના બહિષ્કારના કાયદાને સંપૂર્ણ માન આપતો. મારા સાસુ-સસરાને