પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રસ પડ્યાનું હું કહી ગયો. મેઈનનો 'હિંદુ લૉ' ખૂબ રસપૂર્વક વાંચ્યો પણ કેસ ચલાવવાની હિંમત ન આવી. મારું દુ:ખ કોને કહું? સાસરે ગયેલી નવી વહુના જેવી મારી સ્થિતિ થઈ!

એટલામાં મમીબાઈનો કેસ મારે નસીબે આવ્યો. સ્મૉલકોઝ કોર્ટમાં જવાનું હતું. 'દલાલને કમિશન આપવું પડશે!' મેં ઘસીને ના પાડી.

'પણ ફોજદારી કોર્ટમાં પંકાયેલા પેલા... મહિને ત્રણ ચાર હજાર પાડનાર પણ કમિશન તો આપે છે.'

'મારે ક્યાં તેના જેવા થાવું છે? મને તો દર માસે રૂ. ૩૦૦ મળે તો બસ થાય. બાપુને ક્યાં વધારે મળતા હતા?'

પણ એ જમાનો ગયો. મુંબઈનાં ખર્ચ મોટાં. તારે વ્યવહાર વિચારવો જોઈએ.'

હું એક ટળી બે ન થયો. કમિશન ન જ આપ્યું. પણ મમીબાઈનો કેસ તો મળ્યો. કેસ સહેલો હતો. મને બ્રીફના રૂ. ૩૦ મળ્યા. કેસ એક દિવસથી વધારે ચાલે તેમ નહોતું.

સ્મૉલકોઝ કોર્ટમાં પહેલવહેલો દાખલ થયો. હું પ્રતિવાદી તરફથી હતો. એટલે મારે ઊલટતપાસ કરવાની હતી. હું ઊભો તો થયો પણ પગ ધ્રુજે, માથું ફરે. મને લાગે કે કોર્ટ ફરે છે. સવાલ પૂછવાનું સૂઝે જ નહીં. જજ હસ્યો હશે. વકીલોને તો ગંમત પડી જ હશે. પણ મારી આંખને ક્યાં કંઈ જોવાપણું હતું!

હું બેઠો. દલાલને કહ્યું, 'મારાથી આ કેસ નહીં ચલાવાય, પટેલને રોકો. મને આપેલી ફી પાછી લો.' પટેલને તે જ દહાડાના એકાવન રૂપિયા આપી રોક્યા. તેમને તો રમતવાત હતી.

હું નાઠો. મને યાદ નથી કે અસીલ જીત્યો કે હાર્યો. હું શરમાયો. પૂરી હિમત ન આવે ત્યાં લગી કેસ ન લેવાનો નિશ્ચય કર્યો ને દક્ષિણ આફ્રિકા ગયો ત્યાં લગી કોર્ટમાં ન જ ગયો. આ નિશ્ચયમાં કશી શક્તિ નહોતી. હારવાને સારુ પોતાનો કેસ મને કોણ આપવા નવરું હોય? એટલે નિશ્ચય વિના પણ મને કોર્ટમાં જવાની તસ્દી કોઈ આપત નહીં!

પણ હજુ એક બીજો કેસ મુંબઈમાં મળવાનો હતો ખરો. આ કેસ અરજી ઘડવાનો હતો. એક ગરીબ મુસલમાનની જમીન પોરબંદરમાં જપ્ત