પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છેવટે હાઈકોર્ટમાં બેઠા ઝોલાં ખાવાં એને ફેશન ગણવામાં બાધ નથી એમ સમજતો થયો એટલે તો શરમનું કારણ જ ગયું.

આ યુગમાં પણ મારા જેવા બેકાર બારિસ્ટરો જો કોઈ મુંબઈમાં હોય તો તેમને સારુ એક નાનો સરખો અનુભવ અહીં ટાંકું છું.

ગીરગામમાં મકાન હતું છતાં હું જવલ્લે જ ગાડીભાડું ખરચતો. ટ્રામમાં પણ ભાગ્યે જ બેસતો. ગીરગામથી ઘણેભાગે નિયમસર ચાલીને જતો. તેમાં ખાસી ૪૫ મિનિટ લાગતી. ને ઘેર પાછો તો અચૂક ચાલીને જ આવતો. દિવસના તડકો લાગે તે સહન કરવાની શક્તિ કેળવી લીધી હતી. આથી મેં ઠીક પૈસા બચાવ્યા ને મુંબઈમાં મારા સાથીઓ માંદા પડતા ત્યારે હું એક પણ દહાડો માંદો પડ્યો હોઉં એમ મને સ્મરણ નથી. જ્યારે હું કમાતો થયો ત્યારે પણ આમ ઑફિસે ચાલીને જવાની ટેવ મેં છેવટ લગી કાયમ રાખી. આનો લાભ હું આજ લગી ઉઠાવી રહ્યો છું.

૪. પહેલો આઘાત

મુંબઈથી નિરાશ થઈ રાજકોટ ગયો. નોખી ઑફિસ ખોલી. કંઈક ગાડું ચાલ્યું. અરજીઓ ઘડવાનું કામ મળવા લાગ્યું, ને દર માસે સરેરાશ ત્રણસેં રૂપિયાની આવક થવા લાગી. આ અરજી ઘડવાનું મળવા લાગ્યું તેનું કારણ મારી હોંશીયારી નહોતું, પણ વગ હતું. વડીલ ભાઈના ભાગીદારની વકીલાત જામેલી હતી. તેમની પાસે બહુ અગત્યની અરજી ઘડવાની આવે અથવા જેને તે અગત્યની માનતા હોય તે તો મોટા બારિસ્ટરની પાસે જાય. તેમના ગરીબ અસીલો હોય તેમની અરજીઓ ઘડવાનું મને મળે.

મુંબઈમાં કમિશન નહીં આપવાની મારી ટેક હતી તે અહીં તૂટી ગણાય. બે સ્થિતિનો ભેદ મને સમજાવવામાં આવ્યો હતો. તે આ હતો: મુંબઈમાં મારે કેવળ દલાલને પૈસા આપવાની વાત હતી; અહીં વકીલને. જેમ મુંબઈમાં તેમ અહીં પણ બધા બારિસ્ટરો વગર અપવાદે આમ અમુક ટકા આપે છે એમ મને બતાવવામાં આવ્યું હતું. મારા ભાઈની દલીલનો ઉત્તર મારી પાસે નહોતો. 'તું જુએ છે કે હું બીજા વકીલનો ભાગીદાર છું. અમારી પાસે આવે તેમાંના કેસ જે તને આપી શકાય તે આપવાની મારી વૃત્તિ તો રહે જ. પણ જો તું તારી ફીનો ભાગ મારા