પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મ.ન.દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

પોતાનાથી નાના ભાઈ હરસદરાયના વડા દીકરાને તે જગા સોંપાવેલી, તે તે અદ્યાપિ ભોગવે છે. આ વખતમાં મારા દાદાએ બહુ સારી આબરૂ મેળવેલી. ને ગામમાંના સર્વ મોહોટા માણસો સાથે ઘરવટ રાખેલી તથા બ્રાહ્મણ વર્ગ, જે પોતાનો, તેની દ્વેષબુદ્ધિથી ગૃહસ્થોમાં છેક સગાઈ જેવો નાતો ઘણે ઠેકાણે કરી દીધેલો. નાતમાં પણ ખરચખુટણમાં તેમણે પહેલો નંબર મેળવેલો એમ મારી જ્ઞાતિના વૃદ્ધ ગૃહસ્થોના બોલવા પરથી મને સમજાય છે. કહે છે કે અમારી નાતમાં કોઈ મરણખર્ચ પ્રસંગે વાપરવું હોય ત્યારે ચાણોદ કરનાળી વગેરેના બ્રાહ્મણોને તેડવા અને તે જે સો બસો આવે તે દરેકને રૂ. ૪-૫ દક્ષણા આપવી એ રીવાજ પ્રથમ મારા દાદાનો કે તેમના મરણ પછી તેમના દીકરાઓનો પાડેલો છે. ખોટો કે ખરો પણ તે વડે એમની તે જમાનામાં પ્રતિષ્ઠા ઘણી થઈ ગણાય છે. ભાઈલાલ દવેની આબરૂની પરીક્ષા મને પણ એક પ્રસંગે થઈ હતી. હું ૧૮૭૫માં મુંબઈ ગયો ત્યારે પરનાતીનું જમતો નહિ. નડીયાદના પ્રસિદ્ધ ફર્સ્ટક્લાસ વતનદાર દેસાઈ રાવબહાદુર વિહારીદાસ અજુભાઈ પણ તે વખત ત્યાં હતા. તેમના નાના દીકરા સાથે હું સ્કુલમાં ભણતો એટલે તેના સહાધ્યાયી તરીકે મને ઓળખતા. પરનાતીનું હું ન જમતો એ વાત સંબંધે તેમણે કહ્યું કે તારી નાતના બધા જમે છે. એક ભાઈલાલ દવે ન જમતા. મેં કહ્યું કે હું તેનો પૌત્ર છું. તે સાંભળી તેમણે જે ઘરવટ દાખવી તથા મારા પર ભાવ બતાવ્યો તેથી મને ઘણો આનંદ થયો હતો.

મારા પિતા નભુભાઈ એ સર્વથી નાના ભાઈ હતા. તેમના પિતાનો તેમના પર ભાવ સારો હતો. તેમના મરણ પછી ત્રણે ભાઈ જુદા રહેતા. ભાગની વ્યવસ્થા તેમના પિતાએ જ કરેલી હતી. દરેકને લગભગ ૨૦૦૦નું એકેક ઘર તથા આશરે ૪-૫ હજાર રોકડ અને ૧૦૦૦ સુધીનાં ઘરેણાં વાસણ તથા બેત્રણ હજારની ઉઘરાણી એમ આપેલું મારા સ્મરણમાં કોઈ જુના દસ્તાવેજ પરથી છે. દાદાએ પોતાની દીકરી ગુજરી ગયેલી તેની દીકરીને પરણાવી તથા તેને પણ પોતાના દિવસ ધણી ન હોય તોપણ નીકળે તેવો બંદોબસ્ત કરી આપ્યો અને ધણી છતે પણ પાળતા. તે બિચારી થોડા જ સમયમાં ડોસા મુવા પછી રાંડેલી છે તે હાલ હયાત છે. દાદાએ એક સંઘ કાઢી કાશી તથા ઉત્તર હિન્દુસ્તાનની જગન્નાથ સુધી જાત્રા કરેલી. આ બધું જોતાં તેમણે દ્રવ્ય ઠીક સંપાદન કર્યું જણાય છે; ને આજે પણ દરેક ભાઈને ત્રાજુવે રૂપૈયા વ્હેંચી આપેલા છે એમ નાતમાં કહેવાય છે તે વાત કાંઈક સંભવિત છે.

દવેનું કુટુંબ અમારામાં પ્રતિષ્ઠિત અને કુલવાન્ ગણાય છે. મારા પિતા