થતી નહિ કેમકે તેનો કોઈને વિશ્વાસ નહિ. મેં પણ એમ છતાં એ બાઈને રાખી તે એમ જાણીને કે બે છોકરાં છે તે એની માને આખરે પણ વળગવા જાય, ને હું ન હોઉં તે દિવસ મારા ભાઈ વગેરેના બુરા હાલ થાય માટે બધું જંપી જાય તો ઠીક જ છે. ભાઈ એક આંકડો ભણતો નહિ, ને મેહેનત કરવાના સોગન. પૈસા ખરચેલા તે નકામા જાય. તે પણ મારી સેવા કર્યા કરતો. મારી માનો સ્વભાવ ચઢાઉં તથા ખુશામત વહાલી એવો છે તે મેં કહેલું છે, તેથી વારે વારે કહ્યા કરે કે અમે મહેનત કરીએ તેનો તને હીસાબ નથી ને મનમાં અકળાયા કરે. આ બોલ મને બાણ જેવા લાગતાં. ને હું બહુ દુઃખ પામતો. હીસાબ તે શો થાય? કાંઈ શાલ પામરી આપવાની છે? માબાપ પાળે તેના આપણે દાસના દાસ થઈ ગયેલા છીએ જ એ હીસાબ. એવામાં મારા ભાઈને મેં સહજ કાંઈ કહેતાં તેનું નિમિત્ત લઈ મારી સાથે ખુબ કંકાસ કર્યો. હું મરવા જેવો પડી રહેલો, બોલાય નહિ, તેના ઉપર કુટ્યું, ગમે તેવા ખોટા આરોપ કહ્યા, ને સાંગો મરે તો ઠીક એમ હું ચાહું છું એ પાછું આગળ આણ્યું. એ કકળાટ બેત્રણ દિવસ ચાલ્યો. મારૂં હૈયું ફાટી જવા લાગ્યું. ને એકલો હોઉં ત્યારે પોકે પોક રોવા લાગ્યો. મને મુંબઈ પણ ન જવા દેવો કેમકે રૂપૈયા બગડે એવી મારી માની પણ દાનત થઈ. મારી કમાણી હું વાપરૂં તે મને ન વાપરવા દેવી ને હું ગમે તો મરી જાઉં પણ તે મારાં માબાપને જ સ્વાધીન કરવી – આ તે કેવી દુષ્ટ ઇચ્છા! હું ક્યાં જાઉં? ઉભા પણ ન થવાય ત્યાં ક્યાં જાઉં ? એવામાં મુંબઈથી દલાભાઈ આવ્યા તેણે મુંબઈ પાછા ફરવા હા કહી એટલે તેને તથા મારા મિત્ર સાંકળચંદને લઈ મુંબઈ આવ્યો. દવાદારૂ ચાલે છે, પણ હજુ આરામ નથી. અન્ન લેવાતું નથી તેથી જીંદગી અલબત ભયમાં છે. દુધ પણ પેટ ભરી લેવાતું નથી. શરીર હઠતું જાય છે. મુંબઈ આવ્યા પછી છએક દિવસે સાંકળચંદ તો જનાર હતા તે ગયા. પણ તેના જવાને જ દિવસે દલાભાઈ પણ કાંઈ ગરબડ સરબડ સમજાવી જતા રહ્યા. અહો વિશ્વાસઘાત ! વળી અમે તો પરમેશ્વરને આધીન થઈ પડ્યા! પણ મોતીરામ વગેરેએ કામ માથે લીધું.
આ મંદવાડના ખરા અરસામાં Viena Oriental Journalમાં મોકલેલા વેદાન્તના આર્ટિકલનાં પ્રુફ આવ્યાં તે સુધારી મોકલ્યાં. બાકી લખવા વાંચવાનું બંધ કરવું પડ્યું હતું. વખત ગાળવા માટે વાંચી શકાય તેટલી વખત 'નોવેલ્સ' વાંચતો.
મારી માની વર્તણુંક ઉપર મને બહુ વિચાર થયાં કરતો. વધારે નવાઈ