પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
મ. ન. દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

કહે કે, 'તારે ફાવે તે કર, એમાં શું ખાસડું ફાટી જવાનું છે' કહી ચાલતાં થયાં. સાંકળચંદ શેઠ આ બધી વખત હાજર હતા. મારાથી તો હવે રહેવાયું નહિ. શેઠના આગળ વધારે ઓછું જે આવડ્યું તે બોલ્યો, અને તેને મેં કહ્યું કે 'જે માણસ મને મુંવો ચહાય છે, તેના ભેગો હું કાલથી જમીશ નહિ, માટે તમે તમારો એક માણસ મોકલજો કે મને જોયતો સામાન લાવી આપી રસોઈની ગોઠવણ આ જુદા ઘરમાં કરી આપી જાય ! શેઠે તો ઉલટો મારો વાંક કાઢવા માંડ્યો અને મારી સાથે કાંઈ લડ્યા જેવું કરી ઘેર ગયા. જતે જતે મારા બીજા ઘરમાં માતુશ્રીને મળી તેમના કાન પણ ફૂંકતા ગયા. અમે તો બારીબારણાં બંધ કરી, રાતની રાત ભુખ્યા ને તરસ્યા, પડી રહ્યા. આખી રાત ઊંઘ આવી નહિ, રોયાં કર્યું. અને કેમ કરવું તેના વિવિધ તર્કવિતર્ક કરતાં મારા મિત્ર ગોપાળદાસ પાસે જુનાગઢ જવું એવો છેવટ નિર્ણય કર્યો. રાતે આપણને ખાવાપીવાને પણ કોઈ બોલાવવા ફરી જણાયું નહિ. હરિ ! હરિ!

સવાર થઈ. ખાવા જોઈશું [?શે] પણ ઘર માત્ર કબજામાં છે. વાસણ, કુસણ કશી સામગ્રિ નથી. ચાકર દુધના પૈસા લેવા આવ્યો, તેની પાસે દુધ મગાવીને તેટલું કબજે રાખ્યું કે તે પીને જ દિવસ કાઢીશું. ચહા પણ ક્યાંથી મળે ? શેઠનું માણસ આવે તો બે વાસણ વેચાતાં મગાવી એકાદ રસોઈઆને બોલાવી ખીચડી ઓરાવી ખાઉં. આ વિચારમાં ૭–૭|| વાગ્યા, પણ કોણ આવે ? એવામાં અકસ્માત્ ચતુરભાઈ આવ્યા, તેને બધી વાત મેં જણાવી, તેણે બહુ શોક કર્યો અને પોતાનાં ઘણાં અગત્યનાં કામ હતાં તે માંડી વાળી તરત જ બંદોબસ્ત કરવા ગયા. આઠ વાગ્યા, નવ વાગ્યા, માતુશ્રી આવ્યાં, ખાવા શું કરું એમ પુછ્યું. મેં ખાવાની ના પાડી. ત્યારે જરાતરા આગ્રહ કરી ચાલી ગયાં. હવે અમારી નિરાશા પાકી થઈ. નવ વાગે પેટમાં તડામાર થવા લાગી, એક શેર દુધ ઉનું કર્યા વિનાનું જેમનું તેમ પી લીધું. ચતુરભાઈ ફરી આવ્યા ને કહે રસોઈ કરનારનો બંદોબસ્ત કર્યો છે, તે આવ્યો કે કેમ? પણ કોઈ મળે નહિ. ચતુરભાઈની મરજી એમ હતી કે હાલ તુરત તો સમાધાન કરવું ઠીક પડશે કેમકે તબીઅત સારી નથી, તેથી હું પણ તેમના વિચારને મળતો થયો. તેઓ મારી મા પાસે ગયા અને તેમને સારી પેઠે ઠપકો દીધો. તેણે પણ પોતાના ઉભરા કાઢતાં ચાર હજારનો દસ્તાવેજ શા માટે કર્યો એ કહી દીધું ને છેવટે સમાધાન થયું. બારેક વાગે ખીચડી ખાવા પામ્યા. તે વખતે પણ ચતુરભાઈ વળી ત્રીજી વાર આવી જોઈ ગયા કે કેમ બરાબર