પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી
૧૦૫
 

થયું કે નહિ. આ બધી ગરબડમાં મારો બાપ મારી નજર આગળ પણ આવ્યો નથી કે પેલો શેઠ જે મારી સ્થિતિ તથા બધી તકરાર જોઈને ગયેલો તે મારા મુવાજીવ્યાની ખબર કાઢવા બીજે દિવસ ન આવ્યો કે માણસ પણ ન મોકલ્યું એટલું જ નહિ, પણ ત્યાર પછી ત્રણચાર દિવસ ન આવ્યો અને હાલ પણ નથી જ આવતો, ખેર!

વળી પાંચપંદર દિવસ ઠીક ચાલ્યા. દરમીઆન કોઈ વાર વાતો ચીતો થાય તેમાં મારી માએ મારે મોઢે પણ કહ્યું કે તેં ચાર હજારનો દસ્તાવેજ તારે નામે કર્યો તેથી અમને ખોટું લાગ્યું છે. શો ઈન્સાફ ! મારી કમાણીની મેં વ્યવસ્થા કરી ને આ લોકોને આપી ના દીધી તેમાં એમને ખોટું લાગ્યું ! હું ને મારાં છોકરાં ભીખ માગીએ, ને માબાપ તથા નાનાભાઈ મારે પૈસે ચેનબાજી કરે ! વાહ ! રે વાહ ! મારી આંખેથી બધો પડદો ધીમે ધીમે સાફ ખસી ગયો, ને મારાં માબાપના પ્રપંચ હવે ખુલ્લા પડવા લાગ્યા. વળી મારા બાપે કાંઈક તરકટ ઉઠાવ્યું. ઘરમાં ઘી નથી, ઘઉં નથી, તે હું લાવનાર નથી, મારે આવો ખરચ ચાલે નહિ, તમારે પરવડે તો લાવો ને ખાઓ આવી વાતો તેણે કરવા માંડી. મારી પાસે આ નિમિત્તે પૈસા માગવા માંડ્યા. એક દિવસ તેણે ઘીને માટે રૂ. ૪ માગ્યા અને કહે કે આપે તો ઘી આવશે, નહિ તો ઘી વિના ખાવું પડશે. મેં કહ્યું કે રૂપીઆ જરૂર હોય તો લો, પણ આ તે વીશી જેવો વ્યવહાર કેવો ? હાલ રૂપીઆ નહિ આપું, ભલે ઘી વિનાનું જમાડશો તો તેમ જમીશું. આ ઉપરથી વળી સળગ્યું. લાંબી બોલાચાલી તો થઈ નહિ, પણ ભાગ વહેંચી લો, જુદુ કરો ઈત્યાદિ વાતો જોરબંધ થવા લાગી. મારે તો તે વાત ઈષ્ટ હતી એટલે મેં હા પાડી, કે ભલે અત્યારે ભાગ વેહેંચી આપો. પણ સાંજ પડતામાં વાત ટાઢી પડી ગઈ. ઘી એની મેળે આવીને હાજર થયું અને કોઈ મારા માણસ આગળ મા તથા બાપે કહ્યું કે 'ભાગબાગમાં કાંઈ છે નહિ. એમાં કાંઈ મળે તેમ નથી, આ મંદવાડમાંથી મરી ગયો હોત તો આ વેળા આવત જ નહિ, માટે શા માટે ગરબડ કરે છે. હજી તો નાના દીકરાને પરણાવવો છે. તે પછી વાત.' ધન્ય છે ! મને પણ સંસારમાં કોઈ પર તો નહિ પણ આટલાં માબાપ પર આસક્તિ ભરાઈ રહી હતી કે બીચારાં શું કરશે, તે આવી પ્રપંચવિદ્યા ન જાણી હોત તો ક્યારે તુટત! 'ભલું થયું ભાગી જંજાળ.' ઘરમાં સર્વે ભેગાં છીએ, પણ બધાંના મનની અવસ્થા હાલમાં આ પ્રમાણે છે.

લખવાવાંચવાનો ક્રમ ચાલે જ છે, તે વિના આનંદનું કામ મારે માટે