પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
મ. ન. દ્વિનું આત્મવૃત્તાન્ત
 

ક્યાં છે? મેસ્મરીઝમ વિષે ગુજરાતીમાં એક નાનું પુસ્તક લખવાનો આજે આરંભ કર્યો છે. કચ્છમાં નોકરી અપાવવા સંબંધી રા. મનઃસુખરામભાઈનો પ્રયત્ન જારી છે. તે લખે છે કે બંદોબસ્ત થશે.

આજે આ લખી રહ્યા પછી બીજો ખેલ થયો. મારી માએ રસોઈ કરવાનો સામાન વાસણ સીધું વગેરે લાવી નવા ઘરના રસોડામાં મુકી રસોઈ આરંભી ને કહે કે વરસાદના દિવસમાં જુના ઘરના રસોડામાં અંધારૂં પડે છે માટે હવે અહીં જ રાંધીશું. બપોરે હું જમવા બેઠો ત્યારે તેણે મારા બાપને તિરસ્કાર કરવા માંડ્યા ને બબડવા માંડ્યું. કહે કે મને પ્રથમથી કહ્યું હોત તો હું શીદ મેહેનત કરત, હવે કહે છે તમે તમારું સીધું સામાન ત્યાં લાવી ખાજો - ને હું મારે અહીં (જુના ઘરમાં) જુદુ [? દો] રહીશ. હું કાંઈ બોલ્યો નહિ. મેં જોયું કે આ પેચ પાકો રચાયો છે. ડોસા અહીં આવતા નથી એમ સબબ કાઢી મારી મા એકબે દિવસમાં જતી રહેશે, ને મને આ ઘરમાં જુદો કાઢી મુકશે. મેં પણ મારા બાપને કહેવરાવ્યું કે કકળાટ ના કરો, મારે નામે ખર્ચ થાય છે તે માટે મારે કાંઈ આપવું જોઈએ તે હું આપીશ, માટે જમવા ચાલો. તેણે કહ્યું કે 'મારે રૂપીઆ કાંઈ જોઈતા નથી, એને ખાવા જે જોઈએ તે લાવી આપવાની મેં ના પાડી નથી, પણ એની માને તો બધાંને (અર્થાત્ આ બધી તકરારના કારણભૂત મારા નાના ભાઈને) તેવું ખવરાવવું તે મને કેમ પહોચાય ? આ વાતની ગમે તેમ વાત બનાવી એની મા આડાંઅવળાં ભરવીને અમને લડાવે છે. હું ખાવા, રૂપીઆ માટે નથી આવતો એમ નથી, પણ મારે માથે કકળાટ એની મા કરે છે માટે નહિ આવું – છતાં આટલું કહો છો તો આવીશ' ડોસા આવીને જમ્યા. મેં ડોસાના કહેવાની મતલબ મારી માને કહી તો તેનો કાંઈ સંતોષકારક જવાબ તેણે અપાયો નહિ, તે પરથી મને લાગ્યું કે ઝાંઝો વાંક ડોસાનો નહિ પણ મારી માનો જ હોવો જોઈએ. તેને ડોસાને તથા મને લડાવી, મારી સ્ત્રીને ને મને જુદાં પાડી પોતે સર્વની ઉપરી રહી પોતાનો ને પોતાના નાના દીકરાનો સ્વાર્થ સાધવો આ ચોખું સમજાયું. મેં રૂપીઆ આપવા કહ્યા તે જાણ્યું એટલે મારી માએ જોયું કે હવે એ રૂપીઆ હાથ કરી બધા પર કબજો રાખવો ને તેથી તેણે તરત જ સાંજે જુના ઘરમાં રસોઈ હતી તેમ કરવા માંડી.