પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦. ધર્મોન્નતિ માટે પ્રયત્નો
તા. ૩–૧–૮૯
 

લગભગ બે મહીના થઈ ગયા. તેમાં શું થયું? શરીરની વાત પ્રથમ કહું. શરીર તદ્દન પાયમાલ થવા બેઠું. ઉલટી, તાવ, ગળે ન ઉતરવું, અશક્તિ અને ગળામાંનું નવું વ્રણ તે સર્વથી બહુ ગરબડ ચાલી. હવે જામનગરવાળા વૈદ પાસે મુંબઈ જવું જ જોઈએ એમ સમજી તરત મુંબઈ આવ્યો. હાલ ત્યાં જ છું. લગભગ દોઢ પોણાબે માસથી તેની દવા કરું [છું] – તેથી મને ઘણો સારો આરામ છે, ને મટવાની હવે આશા સંપૂર્ણ રીતે બંધાઈ છે.

રજા સંબંધી અરજી કરેલી તેનું ઉત્તર એમ આવ્યું છે કે વર્ષ ૧ વગર પગારે રજા લો કે રાજીનામું આપો ને કાંઈ રકમ લો. મેં લખ્યું છે કે મારો હક ૧/૪ પગારથી રજા મળે તેવો છે, છતાં વગર પગારે આપવા ધારો તો ભલે તે કબુલ છે, પણ રાજીનામું આપી શકાય તેમ નથી. નવી નોકરીનો બંદોબસ્ત થાય તે વિના રાજીનામું કેમ અપાય? નવી વ્યવસ્થા સંબંધે કચ્છથી રા. મનઃસુખરામભાઈ પર પત્ર આવ્યું છે કે નોકરી તૈયાર છે, પણ પોલી. એજન્ટ ગુજરાતનાં માણસ લાવવાની વિરુદ્ધ છે. તેથી સરકાર મારફત માંગતાં અડચણ નડે છે. તેનું શું થાય છે તે બાબત પ્રયત્ન ચાલે છે. દરમીઆન વડોદરેથી રા.રા. મણિભાઈ સાહેબ રા. મનસુખરામભાઈ પાસે આવેલા, ત્યાં વાત થતાં, તેમણે મને વડોદરે લઈ જવા વચન આપ્યું છે, ને ગાયકવાડ સરકાર મારફત તો ન લે, પણ સરકારમાં ભરેલાં વર્ષ પોતાની નોકરીમાં ગણી પેન્શન આપે એવી વ્યવસ્થા કરવા કહ્યું છે. શું થાય છે તે હવે જોવાનું છે. ગુજરાન તો પગારના પૈસા ભેગા કરી રાખ્યા છે તેમાંથી ચાલે છે. વળી ભાવનગર જુના શોધ ખાતાના લેખ તપાસવાનું કામ ઘણો વખત થયાં મારા હાથમાં છે ને તે દ્વારા મને ઠીક પ્રાપ્તિ થાય છે. આજ સુધી લગભગ રૂ. પ૦૦) ને સુમારે તેમાંથી મળ્યા છે, તેમ હાલ પણ ૫૦–૧૦૦ દર મહીને

૧૧૧