પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી ૧૧૩

વખત સંસારમાં રહે તથા ઉપદેશાદિ કામ કરે તે બીજા વર્ગમાં; ને માત્ર ઉપદેશાદિ ગ્રહણ કરી કેવલ સંસારી રહી મંડળમાં ભાગ લે તે ત્રીજા વર્ગમાં. મારા મનમાં જે વિચાર છે, તે આવો છે; એને સફલ કરનાર તો ઈશ્વર છે !! મારા મંદવાડને લીધે આ એક ચકર મારા મગજને આવેલું એમ વાંચનારને કદાપિ લાગશે, પણ તેમ ન સમજવું. મારી બુદ્ધિ ને મારું મગજ બને ઠેકાણે છે, બલ્કે વધારે પ્રદીપ્ત છે. લોકમાં પણ એ જ આશ્ચર્યકારક થઈ પડ્યું છે, કે અન્નપાણી વિના પડી રહે છે, ઉભા થવા જેટલી પણ શક્તિ નથી, રોગ છેક તાળવામાં છે, છતાં માથું ચોખું છે ને લખવાનું કામ કરી પોતે જીવ્યાં કરે છે એ શું! આ પ્રશ્નનું ઉત્તર કાંઈક આપું. મારામાં ધર્મવાસના થયેલી છે, તેણે મને બહુ ભણાવ્યું છે. પરબ્રહ્મરૂપ અનાદિ વિશ્વ ઉપર મારી દ્ર્ધ આસ્તા છે, હું તેરૂપ જ છું, અનંત શ્રેણીનો એક અંકોડો છું, ને મને મારા સહજરૂપે જે થનાર હશે તે થશે એમાં મારે કષ્ટ પામવાની જરૂર નથી એવો મને નિશ્ચય થયો છે; વળી કાંઈક યોગાભ્યાસે પણ મને મદદ કરી છે. શરીરમાં સૂર્યચંદ્રની ગતિને યથાર્થ નિયમવા પર મારો શ્રમ છે, ને તે બહુ રીતે સફલ છે, કેમકે મારું મન ઠેકાણે છે, એટલે પ્રાણ યથાર્થ જ પ્રવર્તે છે – હાલ મરણ દૂર છે એમ તે ઉપરથી હું સમજી શકું છું, ને પ્રવૃત્તિમાં નિમગ્ન થઈ શકું છું, આનંદ પામું છું. વળી રોગથી સ્થૂલ દેહ નરમ પડી ગયો છે, ભોજનમાં પણ કેવલ દુધનો જ આહાર છે. આ બે કારણથી લિંગદેહ – બુદ્ધિ આત્મા - વધારે કે બહુ જ તીક્ષ્ણ રીતે જાગ્રત છે. આ ત્રણે કારણોથી મને મારા રોગનું ભાન રહેતું નથી, કેવલ મારાં મનોરાજ્યને તે સાધવા માટે વાચન તથા લેખન તેમાં જ નિમગ્ન રહેવાય છે. મને વ્યાધિ છે એ વાત જ મને યાદ આવતી નથી. જો કે લોકો તો મારો રોગ જોઈને જ પ્રત્યક્ષ રોઈ પડે છે, ને બહુ ખેદિત થાય છે. હું જીવું છું એ જ એક ચમત્કાર છે. પણ મારે મન તેમ નથી. ઇચ્છા, ઇચ્છા ને ઇચ્છા. તથા તત્ત્વનિર્ણયરૂપ જ્ઞાનથી થયેલો દઢ સંકલ્પ એ જ સર્વનું નિદાન છે !

મ.ન.દ્ધિ - ૮