પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી ૧૧૫

મારફત ગવર્મેન્ટમાં લખો. આ બધી વાત ચાલે છે તેવામાં રા. રા. મુ. મનઃસુખરામભાઈ જેને મારી પરમ ચિંતા છે તેમણે એકદમ નડીયાદ આવી રા. રા. મુ. હરિદાસભાઈને મળી એવો બંદોબસ્ત કર્યો કે રા. હરિદાસભાઈ મારી માગણી કરે. એ મુજબ માગણી તા. ૨–૩–૮૯ને રોજ જૂનાગઢથી થઈ ચુકી છે, ને પોલીટીકલે ભાવનગરવાળાને પુછાવ્યું છે કે તમારે મણિલાલને જૂનાગઢ જવા દેવામાં કાંઈ વાંધો છે કે નહિ. આ વાત વચમાં બનવાથી ભાવનગરવાળા આગળ ઈશ્વરે મારી ખરી આબરૂ રાખી છે; ને હવે તેઓ રજા આપો કે ન આપો, તેથી મને કાંઈ હરકત નથી. વળી કચ્છમાં લગ્ન પ્રસંગે રા. રા. મુ. મનઃસુખરામભાઈ ગયેલા છે, તેમની મુખ્ય મતલબ ત્યાં જઈ મારે માટે બંદોબસ્ત કરવાની જ છે. તેઓ હજી પાછા આવ્યા નથી. વડોદરેથી રા. રા. મણિભાઈ સાહેબે પણ લખ્યું છે કે યોગ્ય પ્રસંગે હું તમને તુરત બોલાવીશ.

લેખનવાચન સંબંધ ક્રમ ચાલતો જ છે. વિવિધ વાચન ચાલે છે. મોનીઝમ ઓર અદ્વૈતીઝમ એ ગ્રંથ છપાઈ તૈયાર થઈ ગયો છે – સિદ્ધાંતસાર પણ ગઈ કાલે પૂર્ણ લખાઈ રહ્યો. પ્રસ્તાવના વગેરે જ બાકી છે. એનાં પણ ૨૧ ફાર્મ છપાયાં છે. પ્રિયંવદા તો ચાલે જ છે. બેએક દિવસ ઉપર વડોદરાના ડાયરેક્ટર ઓફ વર્નાક્યુલર ઈન્સ્ટ્રક્શન તરફથી કન્યાશાળા માટે પુસ્તકો રચવાનું નિમંત્રણ મળેલું છે તેનું ઉત્તર આજે લખ્યું છે. જોઈએ શું થાય છે. નવદશ વર્ષથી જે વિચારો, ધર્મ તથા સંસાર પરત્વે મારા મનમાં રમી રહ્યા છે તે અમલમાં મુકવાનો વખત તો હરિએ આપ્યો છે. હવે જોવાનું છે કે શું નીપજે છે. આ વખત સ્વીડનમાં આઠમી ઓરિએન્ટલ કોંગ્રેસ ભરાવાની છે. ત્યાંનું નિમંત્રણ આવ્યું છે. જવાનું તો છે જ નહિ. દ્રવ્ય નથી, શરીર સારું નથી; પણ Monism or advaitism અને સિદ્ધાંતસાર બે ગ્રંથ અને એકાદ નિબંધ 'પુરાણાર્થપ્રકાશ' સંબંધી મોકલવા ધારૂં છું. 'વિયેના જર્નલ' માટે જૈન સ્યાદ્વાદનું કાંઈ લખાણ ડા. બુલર માગે છે, તે પણ તૈયાર કરવા ધારૂં છું. રા. તુકારામ તાત્યાએ થિયોસોફીકલ સોસાઈટી તરફથી પાતંજલ યોગસૂત્રનું ભાષાંતર સુધારવા સોંપ્યું છે તે પણ હવે હાથ લઉં છું. મેડમ બ્લેવેટ્સ્કીનું 'સીક્રેટ ડોક્ટ્રીન' પ્રસિદ્ધ થઈ ચુક્યું છે – અહા! શો જ્ઞાનનો ને રહસ્યનો ભંડાર છે! પાતંજલ સૂત્રને ગુજરાતીમાં પણ ગોઠવી દેવાની ઇચ્છા છે.