પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩. લેખન, ઉપાર્જન અને ઘરસંસારની સમીક્ષા
તા. ૪–૧૦–૮૯ નડીયાદ

આશરે ચાર માસ પછી આ પાનામાં લખવા બેઠો છું પણ આજે જે લખવાનું છે તે એવું છે કે મારી જીંદગીના નાટકનો મુખ્ય અંક તેની સાથે જ સમાપ્ત થાય છે; અને જેમ મરી જઈને ફરી જન્મ પામ્યો હોઉં તે વખત માત્ર હાથ પગ ને આંખોવાળો હોઉં તેવો બની રહ્યો છું.

પ્રથમ કટુંબ વ્યવસ્થા વિષે લખું, કેમકે શરીર તો હવે જેવું સુધર્યું છું [? છે,] તેવું જ છે, એટલે તે સંબંધે કાંઈ લખવા જેવું નથી. સ્વર ઉઘડે તે માટે એકાદ માસ વળી ઔષધ લેઈ જોયું પણ કાંઈ વળ્યું નથી. મારી સ્ત્રીને તો હવે વર્ણવવી પડે તેમ નથી, તે પૂરેપૂરી વ્યભિચારિણી છે એમ પણ હવે સંપૂર્ણ નિશ્ચય થઈ ચુક્યો હતો, અને તેના પિતાને ઘેર કોઈ કણબી નોકર છે તેની સાથે હંમેશને માટે, તથા બીજા અનેક નીચ લોકો જોડે પ્રસંગોપાત તે કુકર્મ કરે છે એમ મને સમજાયું હતું. અલબત્ત મારા ઘરમાં તે રહે ત્યાં સુધી તેનાથી આ વૃત્તિને બહુ સંતુષ્ટ કરી શકાતી નહિ, પણ તેનું ચિત્ત એટલા જ કારણથી મારા ઘરમાં ઠરતું નહિ તે એટલે સુધી કે મારી મરજી તો લેશ પણ સાચવે જ શાની, પણ બીજી અનેક ઉપાધિ પણ કર્યા કરે. હું મુંબઈમાં શરીરના ઔષધ માટે ગયા વર્ષના નવેમ્બરમાં રહેતો હતો તે વખતે તેણે ઘર આગળ જે તોફાન કરેલું તે હાલ જ મારા જાણવામાં આવ્યું હતું. પોતે જ ચોરી કરી ને ચોરી મારાં ઘરનાંને માથે ચઢાવી. તેમને કાંઈ મંત્રેલા દાણા ખવરાવી મારવાનો પ્રયત્ન કર્યો, પણ તે સર્વ નિષ્ફલ ગયું, ને પોતે ચોરેલો માલ પાછો પોતે જ આણી આપ્યો. આ બધાં કારણથી તેના ઉપર મારૂં બહુ દુર્લક્ષ થઈ ગયું હતું. આવા પ્રસંગમાં તેનો વાંક તો વારંવાર નજરે આવે જ, તેથી એકાદ વાર તેમ જણાતાં મેં તેને સહજ એકાદ ડામ દીધેલો. એ વાત તેણે તેના પિતાને કહી અને અનેક યુક્તિઓ ચલાવી. એનો બાપ પણ

૧૧૮