લખાણ પર જાઓ

પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી ૧૧૯

કેવલ મૂર્ખ એટલે તે નાતના લોકો ભેગા કરી મારે ઘેર આવ્યો. તેઓને ને મારે વાત ચાલતી હતી. ને યદ્યપિ મારી સ્ત્રીને મેં વારંવાર કહ્યું હતું કે તારે જવું હોય તો સુખે ચાલી જા તથાપિ તે પોતાના બાપના કામને ગાળો દેતી હતી ને જવાની ના પાડતી હતી, તે મારા ઘરને પાછળને બારણેથી ચુપકીથી નાસી ગઈ. લોકો વેરાઈ ગયા ને બધા ગામમાં મારા સસરાને માથે અતિશય અપવાદ આવ્યો. મારે તો ટાઢે પાણીએ ખસ ગઈ ને હવે એ વ્યભિચારિણીનું નામ દેવું મટ્યું. આ સ્ત્રી બાળપણથી જારકર્મમાં પ્રવર્તેલી હતી. એની કોઈ વાર મારે હત્યા કરવી પડત, તે કરતાં તે જ ગઈ, એ સારૂં થયું, અને મારે તેનું મોં જોવું મટ્યું. હવે ગમે તો દુકાન માંડે.

મારા શરીરમાં શક્તિ સારી આવી હતી તેથી હું તેની જોડે સંબંધ કરવાના વિચારમાં હતો, એનાં માબાપ એને વસ્ત્રાલંકાર કાંઈ આપતાં નહિ, તેથી તે પણ અમે ઘડાવવા આપ્યાં હતાં, પણ એ બાઈનું નસીબ જ ઉધું તેથી તેને આવો રસ્તો સુજ્યો અને તેણે એ પ્રકારે તેનું ભવિષ્ય ખરાબ કરી લીધું. આ પ્રકરણ સંબંધે મારે બહુ બારીકાઈથી તપાસ કરવી પડેલી છે એ બધી મેં બહુ લક્ષપૂર્વક કરી જોવાથી પ્રતિ પ્રસંગમાં આ સ્ત્રી જ મને દોષિત સાબીત થઈ છે એટલું જ નહિ પણ મારાં માતાપિતાએ એને આવા માર્ગેથી અટકાવી મારી મરજી સંપાદન કરે તેવી થવા બહુ બહુ પ્રયત્ન કર્યો છે એમ પણ મને નિશ્ચય સમજાયું છે. યદ્યપિ મારી માના મનમાં મારા નાનાભાઈના ભવિષ્યનો ભય હશે, ને તેથી તેની પ્રવૃત્તિ ક્વચિત્ ઉલટી થઈ ગઈ હશે, પણ તેના ઉંડા મર્મમાં મારી સ્ત્રી સાથે મને સંપૂર્ણ અણબનાવ કરાવવાની ઇચ્છા નથી જ એમ મારે સ્પષ્ટ કહેવું ઘટે. અર્થાત્ સર્વથા એ સ્ત્રી પોતે જ એટલી નાલાયક છે કે તેને વારંવાર હસ્તે પરહસ્તે સમજાવ્યા છતાં પોતાના સ્વાર્થનું પણ ભાન નથી. કેવળ સ્વતંત્ર સ્વચ્છંદાચારમાં જ તેને આનંદ છે, બાકી પતિની મરજી સંપાદન કરવામાં કોણ પછાત પડે? અને તે સંપાદન ન પણ કેમ થાય? સારાંશ કે આ બાબતમાં જે બન્યું છે તે યોગ્ય જ છે ને મારો જન્મારો યદ્યપિ એક રીતે બગડ્યો છે તથાપિ એ સ્ત્રીને જો કાંઈ હવે પછી વેઠવું પડે તો તેમાં તેણે પોતાને જ આશિર્વાદ દેવાનો છે. છોકરા તો બન્ને મારા તાબામાં જ છે. તેમનું જે હવે પછી થાય તે ખરૂં. મોહોટો છોકરો હાલ તો અભ્યાસ ઠીક કરે છે.

આ પ્રસંગ પૂર્વે અમે સકુટુંબ સર્વે બુડથલ તરફ બાધા હતી ત્યાં જઈ આવ્યાં હતાં, તથા આશાપુરીએ નાના છોકરાના વાળ ઉતરાવી આવ્યાં હતાં.