પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦ મ. ન. દ્વિ.નું આત્મવૃત્તાન્ત

આશાપુરીથી હું પેટલાદ ગયો હતો. ત્યાં લોકોએ મને જે ભાવ અને સત્કાર દર્શાવી ધર્મજિજ્ઞાસા બતાવી તે બહુ સંતોષકારક હતી. ધર્માભિરુચિ કરાવવાનો મારો પ્રયત્ન એટલો સફલ થયો હતો કે આખા ગુજરાતમાંથી મારા તરફ પત્રો એ વિષયના આવે છે, અને અનેક માણસો જાતે પણ મળવા માટે આવે છે. ઘણેક મને પોતાના ગુરૂ રૂપે માને છે; ને એકંદરે સુધારાનો પ્રવાહ અટકતો ચાલે છે. મારા પ્રયત્નનું ફલ હું આવું જોઉં છું એ મને પોતાને બહુ સંતોષની વાત છે. લખવા વાંચવા સંબંધે કાર્ય ચાલતું જ છે. "સિદ્ધાન્તસાર" પ્રસિદ્ધ થઈ ચુક્યો છે. તેને જે માન મળ્યું છે તે પ્રસિદ્ધ જ છે, અત્રે લખવાની જરૂર નથી. "મોનીઝમ ઓર અદ્વૈતીઝમ" એ ગ્રંથ પણ યુરોપ અમેરિકા વગેરેમાં મોકલ્યો છે, ત્યાંથી બુલર, હર્બર્ટ સ્પેન્સર, એડવર્ડ ટાઈલર, દાક્તર રોસ્ટ, વીલીઅમ હંટર, ઈત્યાદિ મહાશયોનાં બહુ ઉચ્ચ અભિનંદનપત્રો આવેલાં છે. યોગસૂત્ર તથા ટીકાઓ આદિ પરથી જે અંગ્રેજી ગ્રંથ રચાય છે તે પૂર્ણ થવા આવ્યો છે. ઓરિએંટલ કોગ્રેસમાં "પુરાણ" વિષે નિબંધ જઈ ચુક્યો છે ને તેની સંભાળ દા. બુલર લેશે એમ તેણે લખેલું છે. સ્યાદ્વાદ વિષે હવે લખવું છે. પ્રિયંવદા તો ચાલે જ છે. વડોદરાવાળા જે કન્યાશાળા માટે વાચનાવલી બનાવવા ધારે છે તેમાં મને કામ સોંપવામાં આવ્યું છે, ને ધર્મ નીતિ તથા સંસાર સંબંધી વિષયો લખવાનું કામ મને નિયત કર્યું છે. આશરે પચાશેક પાઠ લખવાના છે, ને તે સંબંધે તેઓ કાંઈ આપવા પણ ધારે છે. પરંતુ મારે તો એવા કાર્યમાં કાંઈ કરવાનો પ્રસંગ આવ્યો એટલો જ બદલો સંપૂર્ણ છે. મુંબઈમાં એક નવી નાટક મંડલી સ્થપાઈ છે તેણે "કાન્તા" ભજવવાની જાહેરખબર કાઢી ને તે ઉપરથી મેં તેમને નોટીસ અપાવવા વકીલ રા. ગોવર્ધનભાઈને લખ્યું, તે લોકો તેમના સ્નેહી હશે તેથી તેમણે વચમાં પડી નીવેડો આણવા ઇચ્છયું. કંપનીનો માણસ અત્રે આવી મને મુંબઈ તેડી ગયો, તેણે બહુ માનપાન આપ્યું, ને અંતે રૂ. ૮૦) સુધીની એક હીરાની વીંટી મને આપવા માંડી, તથા બીજું એક નાટક રૂ. ૪૦૦-૫૦૦ લઈ રચી આપવા વિનતિ કરવા લાગ્યો. હું સમજતો હતો કે આ લોકો હાલ તુરત મને છેતરવા ઈચ્છે છે, ને અંતે કાંઈ કરવાના નથી, તો પણ ફક્ત ૮૦) રૂપૈયાથી હાથ ઉઠાવવા કરતાં મફત જવા દેવું વધારે આબરૂવાળું ધારી મેં તે લોકોની વીંટી ન સ્વીકારી તથા તેમને કહ્યું કે આગળ ઉપર જેમ ઈચ્છા હોય તેમ કરજો. એ લોકોએ અદ્યાપિ કાંઈ કર્યું નથી, પણ લુચ્ચાઓની આશા હતી જ નહિ, ને છે પણ નહિ.