પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી ૧૨૩

કેવલ ન જ આવવાનો મને સંકલ્પ હતો. જે શક્તિને હું ઉપાસું છું તેની ગતિ સહન છે. પણ તે ગતિનો તે પછીનો ચમત્કાર જે થયો છે તેથી તો હાલ હું સ્તબ્ધ બની ગયો છું, ને શું કરવું તેની અનેક યોજનાઓ ઘડ્યાં કરું છું. એ કહેતા પૂર્વે જેને માન ઘટે છે તેને આપવા દો કે મારા પિતરાઈ કાકા ભુલાભાઈ એમને [? ણે] મારા પિતાના કાર્યમાં બહુ જ મદદ કરી તેથી જ હું તેમાં સાંગોપાંગ પાર ઉતર્યો.

એ કાર્ય હજી પત્યું નથી તેવામાં તો સરકારથી જણાયું કે જુનાગઢ તરફ મારી નોકરી આપવામાં નહિ આવે; સબબ કે "જે કામ કરાવવા માટે જૂનાગઢે એ માગણી કરી છે, તે એવું નથી કે તે માટે સરકારી માણસ પૂરો પાડવાની જરૂર હોય."*[૧] આમ થવાથી હું નિરાધાર બની ગયો. તે જ સાથે સરકારે ઠરાવ્યું છે કે ભાવનગરવાળાએ મણિલાલને સરકારી ચાકરીમાં ફરી રજુ થાય ત્યાં સુધીનો રજા વગેરેનો જે દર થાય તે ભરી આપવો. અર્થાત્ સરકારી નોકરીમાં મને પાછો મારી અસલ જેવી જગોએ આણવો ઠર્યો છે. ને ડાયરેક્ટર સાહેબ લખે છે કે કોઈ હાઈસ્કૂલમાં જગો આપવી. એ બાબત મેં લખાણ કર્યું છે કે હું પૂર્વે ગેજેટેડ આફીસર હતો માટે મને તેવી જે જગો આપવી જોઈએ. જોઈએ હવે શું થાય છે. એ સંબંધમાં તો મારે રાજીનામું જ આપવું છે. ને કોઈ+[૨]બીજું જ કાર્ય કરવું છે, કે રજવાડામાં નોકરી કરવી છે – જે થવાનો બહુ સંભવ છે, કેમકે રા રા. મનઃસુખરામભાઈનો બહુ આગ્રહપૂર્વક પ્રયત્ન હવે તો દ્વિગુણિત બળથી ચાલુ જ છે. આ બધા યોગોમાં બહુ સંતોષની વાત એક એ થઈ છે કે મારા પરમ મિત્ર રા. ગોપાલદાસને ભાવનગરના આસિસ્ટન્ટ વસુલાત અધિકારીની જગો અકસ્માતું જ રૂ. ૨૫૦)ના પગારથી મળી છે. એનો અભ્યદય એ મારો જ છે.


  1. * આ સંબંધની ખબર પણ દિવસ બે એક પહેલાં સ્વપ્ન દ્વારા મને સૂચવાઈ હતી.
  2. + આ પાનાનો સંખ્યાક્રમ 131 હોવો જોઈએ પણ ભૂલથી 132 લખ્યો છે. એટલે સંખ્યાક્રમ આપવામાં બૂલ થઈ છે. બીજી ભૂલ નથી. [આ. બા. ધ્રુવે કરેલી નોંધ]