પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
મ. ન. દ્વિનું આત્મવૃત્તાન્ત
 

તથા જે મારા સાસરા પાસે જ રહે છે તે આ ગરબડમાં મૂળથી સામીલ છે. વિશેષમાં એવો પણ બધાને શક છે કે લક્ષ્મણસિંગ જમાદારને પણ દાનદક્ષણા થયેલાં છે – એટલે આટલે સુધી વાત લાવ્યા પછી પોલીસવાળા એમ લેઈ બેઠા કે તમે અરજી કરો તો અમે માલ પકડાવી આપીએ. અમારા જાણવામાં છે પણ કેમ કરીએ? આવું થવાથી અમે હસ્તે પરહસ્તે વાત સુપ્રીન્ટેન્ડેન્ટને પોચાડી, પણ તે પણ પોલીસના ભમાવ્યાથી એની એ જ વાતને લઈ બેઠો.

અમે અરજી કેમ નથી કરતા ? અલબત્ત અરજી કરવી જ જોઈએ, પણ તે ઠગાઈની જ થઈ શકે એટલે તેમાં પોલીસ કાંઈ કરી શકે નહિ. છતાં કામ ચલાવવા દઈએ તો ઠગાઈનો ગુનો થયાના સાક્ષી માત્ર બે છોકરા જ રહે ને તે લોકો ક્રોસમાં નીભે નહિ એટલે પ્રોસીક્યુશન ભાંગી જાય. વળી, જે ખરા ગુનેગાર મારી સ્ત્રી તથા તેનો ભાઈ તેને અંદર લેવા સિવાય મંગળ ઉપર ગુનો સાબીત કરાવાથી તેના જેવા બેહાલ માણસ પાસેથી સીવીલ રીતે પણ લેવાનું શું ? વિના કારણનાં અથડામણ અને ખરચ થાય એ જ લાભ ! તે તો ખાતર કેડે દીવેલ જેવી વાત થાય – ને પોલીસવાળા પણ – જો કદી માજીસ્ત્રેટ તેમને તપાસ કરવા કહે તો – એમ જ શા માટે ન ઉભું કરે કે એ દાગીના મારી સ્ત્રીના જ છે તેના પલ્લાના છે પણ તે જુઠી રીતે પડાવી લેવા હું આવું તરકટ કરું છું. જો કે આવી વાત નાસાબીત કરવાના એક લાખ પુરાવા તૈયાર છે, તો પણ અરજી કરવામાં કાંઈ સાર જણાતો નથી – વળી મારા હાથમાં હજુ કોઈ ઘડતર જણસ આવી નથી કે જે પાકો મુદ્દો કહેવાય. એટલે હાલ મેં અરજી કરી નથી, પણ મને ખરી તાજુબી તો એ જ લાગે છે કે સરકારના આવા ન્યાયી રાજ્યમાં પોલીસના અમલદારો આવો ગુનો થયેલો સ્પષ્ટ રીતે જાણ્યા છતાં શા માટે દાગીના કઢાવી નહિ આપતા હોય ? આ રાજમાં અંધર [? અંધેર] છે એવું તો કહીં પણ નહિ હોય !! આવા કેટલા ઘુના [? ગુના] બનતા હશે, ને આમ પોલીસ કેટલું ઓહીયાં કરી જતી હશે !!

મારા ભાઈને છેતરવામાં મોખરે ચઢેલા બધા છોકરામાંનો જે મણિલાલ કહ્યો તે મારા મૂલ મિત્ર બાળાશંકરનો વચલો ભાણેજ છે. તે જાતે પાકો ચોર છે. તેના ઉપર કેસ ચલાવવાનો વિચાર રાખ્યો, પણ તેમાં લાભ કાંઈ નહિ ને વૈર જન્મ સુધીનું થઈ જાય માટે એ વાત પડતી મુકી. વળી બાળાશંકર પણ અત્રે આવી મને બહુ શરમાવી ગયો કે એમ ન કરવું ને એને સાક્ષીમાં