પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાળા, શેરી અને સોબત
 

બન્યું. કેટલાક મારા સોબતીઓ ત્યાં જવાથી હું પણ મારે ઘેરથી રડીકકળી રજા મેળવીને ગયો. ત્યાં પ્રાઈમર અને સેકંડ બુક ભણતા સુધી તો મારો અભ્યાસ હતો તેમજ સાધારણ રહ્યો. ભણવાનું નહિ તેથી તોફાની મંડલની રીતભાત પણ કાંઈ આવેલી ખરી. એક છોકરાની ચોપડી પર અપશબ્દ લખ્યાના વાંક માટે મને શાળામાંથી કાઢી મુકેલો ને ઘણી મેહેનતે દાખલ કરેલો એમ મને યાદ છે. હું થર્ડ બુકમાં ગયો ત્યાં મારા માસ્તર ઝવેરલાલ લલ્લુભાઈ જે હાલ સારી મુનસફની જગા પર છે તે મારી નાતના હતા ને તેમને મારા પર મમતા થવાથી તેમને મારી સંભાળ રાખવાનું મન થતાં મારો અભ્યાસ સારો થયો. હું થર્ડ બુકમાં પહેલે નંબરે પાસે થયો ને મને ઈનામ મળ્યું. આ વખતથી મને ભણવાનો રસ પડ્યો. પણ અકસ્માત્ એવો થયો કે મારા હેડમાસ્તરે ખુશી થઈ ત્રીજા ધોરણમાં ન મુકતાં ચોથા ધોરણમાં મુક્યો. તે ઠામના નવા નવા વિષયોથી તથા કોઈ કાળજી કરનાર ન હોવાથી મારૂં મન નિરાશ થઈ ગયું. અને સંસ્કૃત તથા યુક્લીડ બે વિષય પર મને ઘણો અણગમો પેદા થઈ આવ્યો. મારા મનમાં નિર્ણય થયો કે મારે ત્રીજા ધોરણમાં પાછા જવું જોઈએ. તેથી હું ક્લાસના માસ્ટર મારફતે હેડમાસ્તર પાસે ગયો ને કહ્યું કે મને ઉતારી પાડો. તેણે હસીને કહ્યું કે તું વિચિત્ર છોકરો જણાય છે. ભલે તને એમ મરજી હોય તો જા. ત્રીજા ધોરણમાં મારો અભ્યાસ ઠીક ચાલ્યો. ચોથા ધોરણમાં પણ તેમજ. આ ઠેકાણે આ વાત અટકાવી મારે બે મુખ્ય વાત કરવાની છે.

મને કોની સોબત થઈ? મારા પ્રથમ સ્નેહીમાં મને નડીયાદના પ્રખ્યાત રા. રા. ઉલ્લાસરામ અર્જુનલાલ જે તે વખતે ચીખલી મામલતદાર હતા તેમના દીકરા બાળાશંકરનો સ્નેહ આ બાલ્યવયમાં થયો. એ સ્નેહ નાનપણનો પણ ગાઢ હતો; ને પરિણામે ઘણા ઉચ્ચ પ્રેમમાં ફલ્યો હતો. પણ આ મારા પ્રિય સ્નેહીનું નડીયાદમાં નિરંતર રહેવાનું ન હોવાથી મને બીજા પણ કામચલાઉ સ્નેહીઓ મળેલા, તેમાં માણેકલાલ રણછોડલાલ, નારણલાલ કેશવલાલ, જીવણલાલ ભોગીલાલ, ત્રિકમલાલ દ્યાનતલાલ, અંબાલાલ ઝવેરલાલ, મોહનલાલ વજુભાઈ, હરિલાલ ડાહ્યાભાઈ ને લક્ષ્મીલાલ અંબેલાલ વગેરે મારી જ્ઞાતિના હતા. આ તમામ લોકો તોફાનમાં કુશલ, ભણવે ઘણા જ પછાત, અને મારામારી કરવાવાળા તથા કેવળ કુછંદી હતા. છેલ્લા ત્રણમાંના હરિલાલ તથા લક્ષ્મીલાલ લગભગ બાયલા હતા, ને તેમનો મને મારા મોસાળમાં રહેવાના વખતથી જુનો પરિચય હતો. એ લોકોની ગંમત વગેરે ખરાબ રીતિનાં