પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી
૧૨૭
 

મુકવો; અને જે નુકસાન થયું છે તેમાં હું તને કાંઈ જવાબ આપીશ – આ વાત મેં કબુલ રાખી છે, પણ મને આશા નથી કે બાળાશંકર જેવા લબાડના બોલવામાં કાંઈ સાર હોય – કદાપિ સાર હોય તો પણ તેના માટે દરકાર રાખવી જોઈતી નથી, કેમકે તેણે મને તેના ભાણેજને મુકી દેવાની ભલામણ કરી ને મેં તેને મુકી દીધો એટલો મારો પાડ તેના ઉપર ચઢ્યો એ જ બસ છે – મેં તેનો એક મોહોટો અપરાધ કરેલો છે. તેની સ્ત્રી સંબંધી ગરબડ મારાથી થયેલી છે જે મેં આગળ કહેલી છે, તો તેના દંડ તરીકે જ હું એના તરફ આટલું નુકસાન સમજી મારી જાતને ઋણમુક્ત થઈ સમજીશ.

મારા નાના ભાઈએ આ શું કર્યું ? જે કર્યું તે કર્યું પણ જો હવે આટલેથી જ સમજશે તો હજુ બગડી ગયું નથી – વખત છે. હવે બધી ઉન્મત્તાઈ છોડી દઈ સ્વતઃ વિચારે ચડી ભણશે તો સુધરી જઈ વધારે સારૂં નામ કાઢશે – ઠોકર વખતસર વાગી છે – મારી માએ તેનો બહુ પક્ષ કરી કરી તેને છેક ચઢાવી દીધો હતો તેનું જ આ પરિણામ છે ને તે બિચારી આ અકસ્માતથી યદ્યપિ રોજ આંસુ ઢાળે છે તે જોઈને મારૂં હૃદય બળી જાય છે પણ મને તે જ ક્ષણે એમ થાય છે કે હાથનાં કર્યા હૈયે વાગે છે – સર્વોપરિ તો પ્રારબ્ધ જ છે. यदभावि न तदभावि चेन्न तदन्यथा इति चिन्ता विषघ्नोऽ यमगदः किं न पीयते । પીધું જ છે. પ્રારબ્ધ પણ હવે મારા મનને કાંઈ દુઃખ કરતું નથી. હજુ જે હોય તે ભલે ઠાલવે, કે નક્કી થઈ જાય – અહો સંસારનાટકની રમુજ પણ ઓર જ છે, પણ તે તેમાં રહે છતે પણ તેથી વિરક્ત ફરનારને જ સમજાય છે ને આનંદ આપે છે.