પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી ૧૨૯

અમે સુણાવ ગાડી મોકલી કે તે માણસ બાપ તથા છોકરીને માતાએ તેડે – અમે ત્રણ માણસ રસ્તે રહ્યા ને ગાડી આવે તો એ રાંડને પકડવા તૈયાર થયા – પણ બાપ એકલો જ આવ્યો. એથી યુક્તિ વડે બાપને ઉતારાવી કાઢી અમે પાછા આવતા રહ્યા. ચતુરભાઈ તથા સાંકળાભાઈ ઉભા હતા ને હું આડો થઈ ગયો હતો. ચતુરભાઈ પેટલાદ ગયા. અમે ઘેર આવ્યા. બીજે જ દિવસ બાપે છોકરીને નડીઆદ મોકલી દીધી ને ઘરમાં કહાવ્યું હશે કે છોકરીને નસાડી જવા કોઈ એના લુચ્ચા આશકોએ ઠાગો કરેલો માટે અહીંથી મોકલી દીધી છે. – આમ વાત ગામમાં ફેલાઈ; એટલે અમારી વાત દબાઈ ગઈ, જો કે મારા સાસરાવાળાએ આવી વાત ચાલ્યા પછી એમ કહેવા માંડ્યું કે એ તો મણિલાલે કર્યું હતું. અત્યારે સાંભળ્યું છે કે એ રંડા તો પાછી જવાની છે, હવે એને શી રીતે પકડાય? આ વિચાર નજીવો જેવો છતાં, અત્યારે મારા મનના દુઃખનું નિદાન છે. ઉપર કહી ગયો તે બધાં કારણ તો છે જ. તેમાં વળી મારો ભાઈ સ્કુલમાં પણ નપાસ થઈ વર્ગ ચઢ્યો નથી તેમ હવે અભ્યાસમાં પણ મંડતો નથી એ પીડા પણ છે, ને આ આશામાં ફરવાની વાત પણ ભાગી જવા બેઠી છે – શું કરવું? પ્રારબ્ધ.

મ.ન.દ્વિ - ૯