પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી
૧૩૧
 

ઘેર જઈ એશઆરામ કરે છે. પાનપટ્ટીઓ ખાઈને ગામમાં ફરે છે, ને સ્ટેશન પર પારસીઓને ત્યાં પણ છૂટથી જાય છે. મંગળીયાને ઘેર તો દરરોજ જાય છે, ને સાથે ખાવાની થાળ પણ લેઈને જાય છે. આ રાંડને શું કરવું ? આગળ ઉપર કાંઈક કર્યા વિના છૂટકો નથી.

ડીસેંબરમાં ક્રીસ્ટમસમાં કોંગ્રેસ ભરાઈ. દેશહિતની લાગણી કોને ન હોય ? મારા જેવા ગરીબને પણ ઇચ્છા થઈ કે તે સમારંભ જોવો તો ખરો જ. નડીયાદ પ્રતિનિધિ-રૂપે મુંબઈ ગયો અને તે સમારંભની ભવ્યતા, તે સમયે લોકોનો ઉત્સાહ, અને સર્વત્ર વ્યાપતો એકભાવ, એ જોઈ મને બહુ આનંદ થયો, અને આ ગરીબડી ભારતભૂમિ કોઈ વાર ઊભી થશે એમ આશા પેદા થતાં મારું મન બહુ પ્રસન્ન થયું. કોંગ્રેસમાં હવેથી દર પાંચ લાખે બે માણસ જ પ્રતિનિધિ મોકલવા એવી મતલબનો કાંઈ ઠરાવ થયો છે તેથી દરેક જીલ્લાવાર એક એક નાની સભા રાખવાની આવશ્યકતા છે – ખેડા અને પંચમહાલ માટે એવી સભા નિયત કરવા માટે હું એક પત્ર આ બે જીલ્લાના મુખ્ય ગૃહસ્થો તરફ મોકલવાની પેરવીમાં છું.

પાતંજલ યોગસૂત્રનું ભાષાંતર થઈ રહ્યું – હાલમાં તે છપાય છે. નાનાસાહેબને માટે જે અંગરેજી બુકનું ભાષાંતર કરવાનું તે પણ થઈ રહ્યું અને છપાઈ પણ રહ્યું. ગાયકવાડ સરકાર તરફથી કન્યાશાળાની વાચનમાળા માટે ધર્મ, નીતિ, વ્યવહાર એ ત્રણ વિષયના પાઠ લખવા મને સોપવામાં આવ્યા છે, તેના આશરે બધા મળી સાઠ પાઠ કરવાનો મેં ઠરાવ કર્યો છે, ને તે લખવાનું હાલ ચાલે છે. થીઓસોફીકલ સોસાયટીના મેનેજરનો અતિઆગ્રહ થવાથી રાજયોગની બીજી આવૃત્તિ પણ કેટલાક સુધારાવધારા સાથે છપાવા માંડી છે. કન્યાશાળા માટે જેટલું ધર્મ અને નીતિના વિષય ઉપર લખાશે તેમાંથી નીતિનો વિષય તો “સદ્ વૃત્તિ' નામે જે ગ્રંથ મારા તરફથી થાય છે તેમાંનો જ આવશે, પણ ધર્મનો વિષય સરલ અને સ્પષ્ટ સમજાય તેવી ભાષા અને તેવી દલીલથી ટૂંકામાં સારો પ્રતિપાદિત થવા લાગ્યો છે એટલે એ બાબતનું જુદું પુસ્તક “આપણો ધર્મ’’ એવા નામથી છોકરા છોકરી વગેરે માટે તથા મોટાં માણસોને માટે પણ પ્રસિદ્ધ કરવું કે જેથી શાલાઓમાં જે ધર્મશિક્ષણની મોહોટી ખોટ છે તે પૂરી પાડવાનો એક રસ્તો લીધો કહેવાય, એવો સંકલ્પ છે. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ “ડીડક્ટીવ લોજીક” વિષે એક ગ્રંથ ઉપજાવવાનું કામ મને સોંપ્યું છે. વડોદરાની કન્યાશાળાનાં પુસ્તક તેમ આ લોજીકનો ગ્રંથ એમાંથી આશરે રૂ ૫૦૦)