પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી
૧૩૩
 

સ્નેહ બતાવી શકીશ. જે ચોરી સંબંધની વાત છે તે જુદી છે, પણ આ તો મિત્રભાવે કહું છું.’ આમ વાત થઈ અમે જુદા પડ્યા હતા. પછી ફેબ્રુઆરીમાં તે અત્રે આવ્યો છે એમ મેં જાણ્યું, ને તપાસ કરી તો સલુણ રહેતો જણાયો - મને નવાઈ લાગી કે મળવા કેમ ન આવ્યો, તેથી હું મારો માણસ મોકલવાનો હતો, એટલામાં તા. ૪ ને દિવસ તે મને મળવા આવ્યો, પણ ચતુરભાઈ બેઠો હતો એટલે કહે કે હું પરમ દિવસે, એટલે આજ, ફરી આવીશ. હવે જોઈએ શું થાય છે.

તા. ક. ઉપરની હકીકત લખ્યા પછી મને કેટલીક ખબર મળી જેથી ઘણા દિવસથી ચાલતી તપાસ કાંઈ અંશે સકારણ લાગવાથી અત્રે નોંધવા યોગ્ય લાગી. પેલી રાંડ અતિ વ્યભિચારિણી થઈ છે એ તો છે જ, પણ એણે તેના પાપનું ફલ પણ પેદા કર્યું હશે તેથી તેમાંથી મુક્ત થવા અતિ મહા પાપ કર્યું, ગર્ભ રહેલો હતો તે પાડ્યો. રહેમત નામની એક તરકડી જે તે લોકોની અતિ જૂના વખતથી મિત્ર છે તેણે તે કર્યું અને તાવ આવે છે એવા મંદવાડનો ઢોંગ કરી રાંડ પાંચ સાત દિવસ પડી રહી. ખારી પોળમાં એક કણબણ રહે છે તેની તપાસ કરતાં એ વાત ખરી હોવાનો ઘણો સંભવ લાગ્યો. અને આખી નાતમાં તથા એ રાંડના પડોશીમાં તો એ વાત નિશ્ચયપૂર્વક ચર્ચાય જ છે.