પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭.પત્નીનું તોફાન


તા. ૨૧-૨-૯૦
નડીઆદ
 

તા. ૭મી શુક્રવારે સાંજે હું અને સાંકળાભાઈ ફરવા જતા હતા એવામાં અમે મારી સ્ત્રીને બે કોળણો સાથે તોફાન કરતી ભાડભુંજાની દુકાને સેવો મમરા લઈને ફાકતી ઉભેલી દીઠી. મનમાં ઘણા વખતનો સંકલ્પ હતો તે અમલમાં મુકવાનો લાગ જોઈ મેં તેને પકડી પાડી અને મારે ઘેર આણી. આણીને જરા, કબજાથી રાખી, પણ તેને એક ટપલી સરખી તે જેટલા દિવસ રહી તેટલામાં મારી નથી, કે જરા પણ સખ્તાઈ તેના પર કરી નથી. ખાવા પીવા સારી રીતે આપી, તેને મેં, મારી માએ તથા સર્વેએ એમ અસર કરવા પ્રયત્ન કર્યો કે તારો અમારે બહુ ખપ છે, તું જ બધાની માલીક છે, ને તારે હવેથી અહીં રહેવું, અમે તારી બધી વાત ભુલી ગયાં છીએ. આમ કરવામાં અમારી મતલબ બે હતી. એક તો એ કે રાંડ જો અહીંયાં પગ વાળીને રહે તો અમારે માણસની બહુ જરૂર છે તેમાં નીરાંત થાય, ને ગામમાં તેની બદચાલથી જે ફજેતી થાય છે તે માટે ને બીજી એ કે ધીમે ધીમે રાજી થઈ જે ચોરીનો માલ એ રાંડને કબજે છે તે બતાવે. પણ એ રાંડે અમને ઉલટાં છેતર્યાં. મેં પોતે તો એ રાંડને ખુશી રાખવાનો પ્રયત્ન કરવામાં બાકી રાખી નથી. રાતે સુવા માટે મારા જુદા મકાનમાં એને લેઈ જતો અને હું તથા મારો નોકર ત્યાં એ રાંડને સુવાડી સુતાં. રાંડને એકાંતમાં હું બહુ બહુ રીતે રાજી કરવા પ્રયત્ન કરતો અને તેની જોડે મને અતિ અપ્રિય એવો સંબંધ પણ મેં કરવો વાજબી ધાર્યો. રાંડે હજારો વાતો મને કહી, અને અનેક સોગન ખાઈ પ્રતિજ્ઞા કરી કે “મારાથી આજ લગી બહુ બદચાલ ચલાઈ છે. મેં મારી જવાની રખડવામાં બગાડી છે. મંગળીએ મને રાખી છે. હું હવે એ બધું ભુલી જઈશ, ને તમને જ રાજી રાખવામાં મારો વખત કાઢીશ – બધું ઘરેણું એ મંગળીઆ પાસે છે, મને એના સગા હરીભાઈએ ખબર કહેલી છે, ને