પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી
૧૩૫
 

એ વાત કહેશો તો હું ગમે તે ઠેકાણે પણ કહીશ. તમારી ઘુઘરીએ ઘુઘરી ગમે તેમ કરીને હું લાવીશ. મારી જોડે એ મંગળીઆને નાસી જવું છે, તેથી ઘરેણું એણે સાચવી રાખ્યું છે, માટે હું એને છેતરીને ઘરેણું લાવીશ – મારાં માબાપ તો મારે વશ છે. મેં તેમને ઘોડ[? ડા]ની જીભ ખવરાવેલી છે. હવે હું બહુ પાકી થઈ છું. મારી બેનને કલ્યાણીઆ પોલીસે રાખેલી છે ને કલ્યાણીઆની બાયડીને મારા ભાઈએ રાખી છે. એ બધાં મારે વશ છે.” આવી આવી હકીકત રાંડે બેત્રણ દિવસ રાતે રાતે મને કહી એટલું જ નહિ પણ ઘરમાં મારાં માતુશ્રીને, રા. રણછોડલાલ મનસુખરામને, મારા ગુમાસ્તાને, ડાહીબાઈને, ઘણાંકને કહી. મારે ઘેર આવી વ્યવસ્થા ચાલતી હતી. પણ એ રાંડને ઘેર જુદી જ ગરબડ મચી હતી. એની મા, એનો બાપ, એનો ભાઈ, અને મંગળીઓ જેણે એ રાંડના ભાઈ ઉપર લહેણાનો દાવો કરેલો છે છતાં જેને આ પ્રસંગે એ લુચ્ચાઓએ મદદમાં બોલાવ્યો હતો, એ સર્વએ અનેક ગરબડો કરવા માંડી – તેમને મોહોટી ચિંતા એ હતી કે જો એ રાંડ ચોરીની વાત કબુલ કરશે તો આપણે મરી જઈશું. આ ઉપરથી તેમણે રવિવાર તા. ૯ની સવારમાં અંબાલાલ વૈદ તથા કોર્ટના કારકુન મગનલાલને મારી પાસે મોકલ્યા અને કહેવરાવ્યું કે “તમે એ સ્ત્રીને જરાવાર મળવા માટે પણ અમારે ઘેર મોકલો. નહિ તો ભારે તોફાન થશે.” આ વગેરે બાબત તેવી જ મતલબની સાંભળી મેં સાફ ના પાડી. પછી સાંજે આશરે આઠ વાગતે મારો સાળો, સસરો તથા ચારપાંચ લુચ્ચાઓ અને બદમાશો (અમથો વૈદ, છોટો ચોર, માધવા રણછોડ, માધવા કેશવ લાવણીવાળો વગેરે) ટોળું થઈને મારા ઘર આગળ આવ્યા - મને પ્રથમથી ચેતવણી મળેલી હતી એટલે હું અને ચતુરભાઈ મારી બેઠકમાં બેઠા હતા, પણ એ લોકો તો ગુપચુપ મારા જુના ઘર આગળનાં બારણાં ઠોકવા લાગ્યા ને કહે કે “ઉઘાડો”. અંદર સાંકળ હતી, એટલે અંદરથી “કોણ છે” એમ પૂછવામાં આવ્યું, પણ એ લોકોએ તો બહુ ઠોકાઠોક માંડી ને કહે કે કોણ છે તેનું શું કામ છે, બારણું એકદમ ઉઘાડો. ગરબડાટ અમે સાંભળ્યો કે તુરત નીચે ગયા, એટલે એ બદમાશો અમારી સામા આવ્યા ને હોકારા ટુંકારા કરવા લાગ્યા, તથા હાથમાં લાકડીઓ લાવેલા તે સંભાળવા લાગ્યા. પણ મારા પડોશી તથા રસ્તાના લોક ભેગા થઈ ગયા. હું માત્ર એટલું જ બોલ્યો કે આમ કરવાથી કાંઈ વળવાનું નથી, તમારી બહેન તમને મળવાની નથી, તમારે ફાવે તે કરી લો. ને એમ કહીને ઘરમાં ગયો. તથા એ લોકો ઘણુંક તોફાન બે કલાક સુધી કરી થાકીને ઘેર