પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી
૧૩૭
 


પોતાનો વ્યભિચાર અને વટલાઈ જવું કબુલ કરે છે તેને ચોટલો પકડી મારે ઘેર આણી, જરા પણ દુઃખ ન દેતાં માફી બક્ષી રાખી, બલ્કે જુદું રહેઠાણ અને અન્નવસ્ત્ર આપવા પણ કહ્યું – છતાં નાશી ગઈ; તો તે વેશ્યાને હવે કોઈ પણ – ઈશ્વર, સરકાર, કે લોક મારી સ્ત્રી તરીકેનો હક અપાવી શકનાર નથી. તેને મારા અનેક શાપ, તેના જન્મોજન્મ તેની પાછળ લાગુ રહેજો ને તેનો પક્ષ કરનાર પણ સુખી ન થશો.

એ વાત થઈ ગઈ. શિવરાત્રી ઉપર વડોદરે જવું થયું હતું. બાવાભાઈ વૈદ્ય ત્યાં હતા. તે શ્રીઉપાસક છે. એટલે તેમની પાસેથી શ્રીનો ઉપદેશ લેવો તથા શ્રીયંત્રની પ્રતિષ્ઠા કરાવવી એમ હેતુ હતો. ત્યાં જઈ તેમને મળ્યો પણ તેમની નજરમાં એમ આવ્યું કે હાલમાં બાલાનો ઉપદેશ આપવો. પછી શ્રીનો. બાલાનો ઉપદેશ લઈ ઘેર આવ્યો. એમની પ્રતિષ્ઠા પણ શ્રીના ઉપદેશ વખતે થવા ઉપર મુલતવી રહી.

નડીયાદ આવી કોંગ્રેસ બાબતની તાલુકા અને ઝીલા કમિટિઓ સ્થાપવાનો પ્રયત્ન આરંભ્યો, તેમ ધર્મ માટે એક સમાજ સ્થાપવાનો પણ સંકલ્પ કરવા માંડ્યો. પંજાબ યુનિવર્સીટી તરફથી એવું પત્ર આવ્યું કે આ વર્ષ સંસ્કૃત પરીક્ષક થશો ? તે સ્વીકાર્યું. નડીયાદમાં પ્રદર્શન હતું. તે ઉપર રા. મનઃસુખરામભાઈ આવ્યા હતા તેમણે કહ્યું કે કચ્છથી રા. મોતીલાલનું પત્ર આવ્યું છે કે મણિલાલને માટે બીજો કશો યોગ થઈ શકતો નથી, પણ ખાનગી ખાતેથી તમે કહો તે પગાર આપી મુંબઈમાં ફુટકળ કામ ખાતે રાખીએ. – આ વાત મને પસંદ પડી નહિ, તેમ મને ખેદ પણ અતુલ થયો, જોઉં છું શું થાય છે? બાકી પૈસાના ગેરૂમાં કાંઈ લેવા જવું પડવાનું નથી.