પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી
૧૪૩
 

માસ વધ્યું તથા કાયમ થવા જેવો પ્રસંગ આવ્યો છે તે અચાનક એ શક્તિના પ્રભાવે જ થયું. પ્રથમ મે મહીનામાં વડોદરાનું કાર્ય આરંભ્યું ત્યારે તે જ દિવસ વીછી કરડ્યો હતો તે અતિ શુભ શુકન મનાય છે, તે પણ વડોદરાની વાત કાયમ થાય તો વાત ખરી પડે. યોગાદિ અભ્યાસમાં વધારો થાય ને જ્ઞાન મળે એ હેતુથી થીઓસોફીકલ સોસાઈટીના ઈસોટેરીક સેક્શનમાં હું દાખલ થયો છું, ને તે દ્વારા મને અદ્યાપિ સારી ખબરો મળી છે.

વૃત્તિ હજુ શાન્ત રહેતી નથી. સમાધાન છે, પણ વિષયવૃત્તિનું કહું છું. બેચાર વખત એક સ્ત્રી સાથે વિષય થઈ ગયો છે. પણ વૃત્તિ બહુ પાછી હઠે છે ને એમ જ થાય છે કે કદી તેમ ન કરવાનો દઢ સંકલ્પ કરવો. મહાત્માઓ તેટલું માનસિક બલ આપે તો વાત સુલભ છે. હું પણ પ્રયત્નશીલ છું. કામ બરાબર વશ નથી થયો, પણ ક્રોધ તો બહુ અંશે વશ થઈ ગયો લાગે છે.

મારા મિત્રો આદિ બાબત મેં લાંબા વખતથી કાંઈ લખ્યું નથી. નાનાસાહેબ, ચતુરભાઈ, સાંકળાભાઈ, સર્વે હવે બહુ ઉત્તમ મિત્રભાવ વડે રહીએ છીએ. જેનામાં જે ખામી અને છોકરવાદ હશે તેનામાંથી ઓછી થઈ છે, અથવા હું તેથી ટેવાયો છું, પણ શાન્તિપ્રીતિ સારી છે. મનસુખરામ, હરિદાસ, મણિભાઈ આદિ મુરબીઓએ આ આપત્તિના સમયમાં મને બહુ સારી મદદ કરી છે. પણ તે સર્વમાં વાત ઉપાડી પાર પાડનાર મનસુખરામ છે, ને તેને પણ વધારે ઉત્તેજિત કરનારા મારા મિત્ર નાનાસાહેબ છે, એટલે જેનો જે ભાગ હોય તેને તેટલું, અથવા સર્વને અતિશય શુભ થાઓ એ મારો આશિર્વાદ પણ તેમણે કરેલા ઉપકાર આગળ ન્યૂન છે. બહારના મિત્રોમાં વડોદરામાં ગજ્જર, ભાવનગરમાં કેશવરામ, દુલેરાય, આદિ સર્વની મારા ઉપર મમતા બહુ છે તેવી છે.

લખવાવાંચવાની પ્રવૃત્તિ બહુ જ સારી છે. કેન્ટનો અભ્યાસ આરંભ્યો છે. યોગસૂત્ર અને રાજયોગ પ્રસિદ્ધ થઈ ગયાં છે. પ્રિયંવદાને “સુદર્શન” એ નામ આપ્યું છે. મારા જે ધર્મવિચાર છે તે પ્રવર્તાવવા ખાનગી અને ગુપ્ત એવું અધ્યાત્મમંડલ મેં સ્થાપ્યું છે. થોડા મેંબર થયા છે. ગુજરાતમાં મારા વિચારોનું બલ ઠીક જામ્યું છે. સુધારાવાળા ગભરાયા છે. તેમણે મારી વિરૂદ્ધ બહુ લડાઈઓ આજકાલ યોજી છે તે સુદર્શન તથા બીજાં પત્રો દ્વારા સુવ્યક્ત છે. મારે દ્વેષ નથી, આગ્રહ નથી, સત્ય છે તે કહું છું, તેમાં તે લોક તો કેવલ મારા ક્ષુદ્ર શરીરના દ્રેષે કરી લડે છે, તો ભલે તેમને પણ તેમનું કર્મ