પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
મ. ન. દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

અનેક હરત છે. મારા પોતાના અનુભવથી તેમ બીજાનાં દૃષ્ટાંતથી એક વાતનો મને નિશ્ચય થયો છે કે પુરુષાતન યોગ્ય વયનું થતાં માણસ જો સ્ત્રીસમાગમ ન પામે તો તે કુછંદી થઈ જાય છે. આ એક મહા અનર્થ છે. ખાવાપીવા કરી આપનાર ન હોય તેથી દુઃખી થાય તે વાત તો એક જુજ છે, પણ આ અનર્થ બહુ ભયંકર છે. અને એનાથી સ્ત્રીસમાગમની મૃદુ અસરને અભાવે, માણસ ઋક્ષ, સ્વછંદી, બેદરકાર અને કુછંદી થઈ જઈ આત્મલાભ વણસાડે છે. બહુ બલિષ્ઠ સંસ્કાર હોય તો જ સીધો રહી શકે છે, કે બગડીને ઠેકાણે આવે છે. મારા ભાઈ તથા છોકરાંને આવા ભયમાંથી બચાવવા માટે યત્નવાન થવું, જો કે ખરૂં નિમિત્ત તો તેમનું પ્રારબ્ધ છે. એ મારી ફરજ છે એમ સમજીને મેં નિશ્ચય કર્યો છે કે બાયડમાં છોકરાંને પરણાવવાં, અને નાતને વળગી રહેવું નહિ. એ બાબત ઠરઠરાવ પાકે પાયે કરેલા છે અને હાલ મારા ભાઈનો તથા મહોટા છોકરાનો વિવાહ કરી, રૂ. ૫૦૦) આપ્યા છે. પ્રત્યેક કન્યાએ રૂ. ૨૦૦૦) બધા મળી ખરચ થવાના એવો ઠરાવ છે. રૂ. પ૦૦ની યોગ્ય પહોચ લીધી છે. વ્યવહારમાં પ્રતિષ્ઠા વધે એવો એક બનાવ એ થયો છે કે મને અત્રેના ઓનરરી માજીસ્ટ્રેટની બેંચમાં હાલ નીમ્યો છે. મેં ઘણી ના કહી છતાં નીમ્યો કેમકે હું જ એ બેંચ બાબત કેટલીક હરકતો સરકારને બતાવવા બેઠો હતો. ધારું કે મારાથી એમાં વખત બગાડાશે નહિ અને મારે રાજીનામું આપવું પડશે. સરકારથી જે ગ્રેચ્યુઈટી મળનાર હતી તેના રૂ. ૧૫૦૦) આવી ગયા છે.

ઉપજીવિકાની બાબતમાં વડોદરાનું કામ ષડ્દર્શનસમુચ્ચય પુરૂં થઈ ગયું. તેના રૂ. ૧૬૦૦) મળશે. પણ હજુ વડોદરામાં નક્કી વાત થઈ નથી. યાદી વગેરે લખાઈ ગયા છતાં વિલંબ થયાં જાય છે એ પ્રારબ્ધ ! કચ્છથી ઠરાવ ત્રણ વર્ષ માટે પ્રતિમાસ રૂ. ૧૦૦)નો આવી ગયો. તેમને ઇન્ડક્ટીવ લોજીકની વાત પસંદ ન પડતાં તેઓ કાંઈ બીજા ગ્રંથની યુક્તિ માગે છે તે બાબત વિચારી તેમને જણાવીશ. સોસાઇટીવાળું ડીડક્ટીવ લોજીક લખાય છે. વડોદરા કન્યાશાળાની પુસ્તકમાળાને મેં તકરાર થવાથી પાછી ખેંચી લીધી હતી, પણ તેમાં છેવટને ભાગે રા. હરગોવનદાસે બહુ આગ્રહ કર્યો તથા મારી મરજીને પણ કાંઈક અનુસર્યા તેથી તે પુસ્તકમાલાને જરા સુધારાવધારી ફરી મોકલવી ઠરી છે. તેનું કામ ચાલે છે. ઇંગ્લંડથી બરટ્રામ કીટલી નામનો એક ગૃહસ્થ મદ્રાસ થીઓસોફીકલ સોસાઈટીના મુખ્ય સ્થાને આવ્યો છે. તેની મારા ઉપર