પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી
૧૪૭
 

સારી મમતા છે. તેણે ઓનરેબલ સુબ્રહ્મણ્ય આયર તરફથી મને બહુ આગ્રહ કરી માણ્ડુક્યોપનિષદ્ તથા ભાષ્ય અને કારિકાનું ભાષાન્તર કરવાનું આપ્યું છે. રૂ. ૩૫૦) ઠર્યા છે અને પ્રથમાવૃત્તિ પછીનો કોપીરાઈટ મારો છે એવો ઠરાવ છે. એ ઉપરાંત વળી અમેરિકાથી જજસાહેબે લખ્યું છે કે મહીને ૩૦ ડોલર આપીશું અને તમારે નાનાં બે ચોપાનીઆં દર માસે ધર્મતત્ત્વવિચારાદિ બાબત લખી મોકલવાં. એ વાત મેં સ્વીકારી છે, કેમકે તે વાત હું સ્વીકારૂં તેના માટે તેણે બહુ આગ્રહ કર્યો છે તથા બીજા મિત્રોની ભલામણ કરાવી છે. પણ હાલમાં બરટ્રામ કીટલી લખે છે કે એ યોજના માટે માણસ બંધાય તે મદ્રાસ રહે તો ઠીક એટલે આ વાત તો મારાથી બને નહિ, તેથી મેં તેને લખ્યું છે કે જજનો વિચાર તેવો જણાતો નથી તેથી મેં હા કહી છે, પણ જો તમારે તે રીતે એ વિચારનો ઉપયોગ કરવો હોય તો મેં હા કહી છે છતાં તે વાત ઉપરથી મારો હાથ ઉઠાવું છું. હવે જે થાય તે ખરૂં. લંડનના “લ્યુસીફર"માં રાજયોગ તથા યોગસૂત્રની બહુ જ પ્રશંસા થઈ છે. અને રૂ. ૧૧૦)ના 'રાજયોગ' પુસ્તક પણ તુરત વેચાયાં છે. સ્ટોકહોમવાળી કોન્ગ્રેસમાં મેં જે "પુરાણ” બાબત પેપર મોકલ્યો હતો તે મેક્ષમ્યુલરની વિરૂદ્ધ હતો માટે જ દાબી દેવામાં આવ્યો એમ હમણાં મી. મીડ તરફથી મને નિશ્ચય જણાયું છે અને તે પેપર લ્યુસીફરમાં છપાય છે. “ઈન્ડીઅન એકેડેમી” એ નામનું એક અંગરેજી ત્રિમાસિક કેવલ તત્ત્વજ્ઞાનની ચર્ચા માટે કાઢવું એમ ઈચ્છા થઈ છે, તે માટે વિલાયત, અમેરિકા, તથા અત્ર, એમ સર્વસ્થલે મિત્રોની સલાહ લેવા માંડી છે, જો ત્રણસે ઘરાક થશે તો કાઢીશું.

સુદર્શન સારૂં ચાલે છે. આ વર્ષે તેમાં નફો કાંઈક ૧૦૦-૫૦ રહેશે અને પાછલી ખોટ પુરી થશે. સુધારાવાળા હાલમાં બહુ ઉપડ્યા છે, પણ લોકની વૃત્તિ તેમના તરફ વળતી જણાતી નથી. તેમનો ને મારો વિવાદ બહુ ચાલે છે. તેમાં કેટલાક મધ્યસ્થ વિદ્વાનોએ પોતાની સ્વત:પ્રેરણાથી મારો બચાવ કરવાનું લખાણ ઉપાડી લીધું છે.

“અધ્યાત્મમંડલ” એ નામે એક સભા સ્થાપી છે, તેમાં બે વિભાગ રાખ્યા છે. એક બાહ્ય તે તો થીઓસોફીકલ સોસાઈટી જેવો જ, પણ ગુજરાતીમાં; અને બીજો તે કેવલ યોગાભ્યાસાદિ માટે, જેમાં પ્રતિજ્ઞા ઉપર જ દાખલ કરી શકાય. બને મંડલમાં ગુરુશિષ્ય કાંઈ નહિ, અને સર્વ સમાન. ઉભયમાં ઘણાક ગૃહસ્થો દાખલ થાય છે.

અભ્યાસમાં હાલ કેન્ટ અને તત્ત્વ સંબંધી વાદગ્રંથોનું મનન ચાલે છે.