તા. ૬-૨-૯૩ | પાટણ |
છ મહીના થઈ ગયા. અધ્યાત્મ અભ્યાસમાં કાંઈ વધારો થયો નથી. ઘણી ખેદની વાત છે. વાંચવામાં તો ઘણું આવે છે ને ઘણું ચાલે છે, પણ વૃત્તિ અને યોગના અભ્યાસમાં વધારો નથી. છે તેનું તે રહેલું છે ને સારી રીતે ચાલે છે, વિષયવાસના – સ્ત્રીના પ્રેમની લાલસા, તે જ વિરોધી થઈ પડી છે. છોટુ અને રામ તેમાંથી મન નીકળી શકતું નથી. ઘણો ઘણો પ્રયાસ કરતાં હાલ જરાક નિવૃત્ત થયું છે. મેં મનને એમ દઢ રીતે સમજાવ્યું કે નાંદોદવાળી સ્ત્રીનો છોટુને જે પ્રસંગ છે તેમાં તે ખરાબખસ્ત થવાનો હતો. તેમાંથી તેને મુક્ત કરવા માટે બધો પ્રયાસ છે, અને તેની સ્ત્રી સુધીનો સંબંધ મેં સ્વીકાર્યો તેમાં પણ નિર્ણય તો એ જ છે કે એને સર્વથા ખુશી રાખી, મારે સ્વાધીન કરી, લાડીનો સંબંધ મૂકાવી દેવો. એટલું સિદ્ધ થાય તો રામ સાથે જે ભાર્યાવત્ વ્યવહાર છે તે બંધ કરવો. તે વખત કાંઈક પાસે આવે છે એમ લાગે છે. ધીમે ધીમે આજ બે ત્રણ વર્ષના પ્રયાસે લાડી ઉપરથી છોટુનું મન કાંઈક શિથિલ થયું છે. મેં કેટલું કેટલું આમાં ખમ્યું છે? મારા આધ્યાત્મિક અભ્યાસમાં વધારો ન કર્યો, વ્યવહારમાં પણ વખતે કોઈને શંકા ઉપજી હશે તેટલો અપવાદ લીધો, અને પૈસાથી પણ લગભગ રૂ. ૨૫૦-૩૦૦ સુધી આજ સુધીમાં દબાયો, ત્યારે આટલે આવ્યું !! અસ્તુ. હવે વધારે આવશે અને એક જીવને પણ એવા કુમાર્ગથી બચાવ્યાનો સંતોષ એ બધાનો બદલો વાળી શકશે; અથવા બદલો શાનો? પ્રેમધર્મનો વિષય જ છે કે જ્યાં બને ત્યાં સારું કરવું જ કરવું.
વાચનલેખન સારી પેઠે ચાલે છે. સ્કોપનહોરનું World as Idea & Will એ પુસ્તક સ્ટર્ડીએ બક્ષીસ મોકલ્યું તે વાચવામાં બહુ આનંદ આવે છે. લખવામાં જે છે તે ચાલે છે. પ્રાણવિનિમય ફરી છપાવવાનું ચાલશે,