ચોપડીઓ ભેગી મારી તથા બાળાશંકરની બનાવેલી લિખિત ચોપડીઓ પણ ચાલતી. ધર્મવિષયક અમને કાંઈ જ્ઞાન ન હતું. આ અરસામાં કવિતા સમજવા ને રચવામાં અમો સર્વેએ ઘણો અનુભવ મેળવ્યો ને એકંદરે આ સમયની જે જે છાપ મારા મન ઉપર પડી તેણે મારી આખી જીંદગી પર ઘણી જાણવાજોગ અસર કરી. અમો સર્વેમાં બાળાશંકરને કવિતાનો રંગ ખુબ લાગ્યો ને એણે હિંદી કવિઓનો અભ્યાસ શુરૂ કર્યો. આખર એણે એમ પણ કર્યું કે અમદાવાદ રા. દલપતરામ પાસે દર રવિવારે ભણવા જવા માંડયું; અને ગાયનમાં તથા બજાવવામાં એક કેશવલાલ નામના ઉસ્તાદ મારફત ઠીક વધારો કર્યો. મારી અને એની મૈત્રી જો ઘણામાં ઘણી ર્દઢ હોય તો આ જ સમયે હતી. અમે પ્રેમનું સ્વરૂપ ખુબ સમજ્યા હતા અને એક એક વિના ક્ષણ પણ રહેતા નહિ. મોહનલાલ, દોરાબજી પણ આ સમયે ભેગા થઈ ગયા. બાળાશંકર પ્રકૃતિનો ઉદાર, પ્રેમી ને નિખાલસ દિલનો માણસ છે, તેમ મોહનલાલ પણ વૃત્તિએ પ્રમાણિક પણ પ્રેમમાં પૂર્ણ ધર્મ ન પાળતાં કોઈક વાર જરૂર કરતાં વિશેષ સાવધ અને જરા અહંપદવાળો છે. દોરાબજી તો કેવળ છોકરવાદ જ હતો. અમારા મંડલમાં દૈવયોગ એવો થયો કે જેમ તેમ કરી સર્વેએ બાળાશંકરની પરમપ્રીતિ સંપાદન કરવી. આમ કરવામાં કેટલાંક માઠાં પરિણામ થયાં. બાળાશંકરનો ને મારો સ્નેહ પરકાષ્ઠાને પામ્યો હતો. અમે અમારાં અન્યોન્યનાં માબાપને પણ પોતાના દીકરા સમાન થઈ ગયા હતા અને અમારા બન્નેનાં ઘર વચ્ચે વ્યવહારપક્ષે પણ ઘણા ઘણા પાસેનાં સગાંને હોય તેવા નિકટ સંબંધો બંધાઈ ગયા હતા. બાળાશંકરે પોતાની વિશાળ પ્રેમવૃત્તિથી પોતાની પત્ની મણિલક્ષ્મીને મારી તથા પોતાની વાતચીતમાં દાખલ કરી મારા પર વિશ્વાસ અને પ્રેમ જણાવ્યો. અમારો ત્રણનો આનંદ ઘણો કાળ અને સારી રીતે નભ્યો.
બીજી જે વાત જણાવવાની હતી તે એ કે હું ચોથા ધોરણમાં હતો તેવામાં મારી ૧૩–૧૪ વર્ષની વયે મારાં લગ્ન થયાં. અંબાલાલ રવિશંકર નામે મારા ગામમાં રહેતા હતા તેમને મારા પિતાનું ૨–ર|| હજારનું દેવું હતું, તેમના અને અમારા ઘર વચ્ચે સંબંધ સારો હતો ને તેને આગળ કહ્યો તે લક્ષ્મીલાલ દીકરો તથા મારી સ્ત્રી ફુલી અથવા મહાલક્ષ્મી દીકરી બે પ્રજા હતી. મારાં લગ્ન બીજે જ સ્થળે નિર્માણ થયેલાં હતાં. બેહેચરલાલ નામના માણસની દીકરી ઉમરે પણ મને મળી તે સ્ત્રી કરતાં જરા મ્હોટી, રૂપે સારી ને ઉપરાંત ભણેલી તથા સારા કુલની એટલે સુશીલ હતી. તેના પર મને