લખાણ પર જાઓ

પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
મ. ન. દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

છે. એ દાવાની મુદત હાલ તા. ૧૦-૮-૯૩ની છે. વચમાં મે મહીનામાં પેલો મદદગાર સસરો મરી ગયો; તે પ્રસંગનો લાભ લેઈ આ પક્ષકારોએ તથા બીજાઓએ મળી એવી વાત ઉરાડી કે મેં તથા મારા મિત્ર દાક્તર રામસિંગે આ માણસને ઝેર આપીને મારી નાખ્યો ! આ વાત કેવલ જુઠી છે એમ અંતરાત્મા જાણે છે. ગામમાં પ્રથમ તો વાત ખુબ ફેલાઈ, પાંચ સાત દિવસમાં જ અજ્ઞ લોકને પણ પ્રતીતિ થઈ કે વાત જુઠી ઉરાડેલી છે. પરંતુ કોઈ વખત આ કાગળો વાચનારને આ પ્રસંગનો ખુલાસો કરવો તો તેના ઉપયોગ માટે બનેલી હકીકત નોંધી મૂકવી યોગ્ય ધારૂં છું.

મરનાર બાબર એક દિવસ સાંજે પાંચ વાગતાને સુમારે દવાખાનામાં આવ્યો. દવાખાનામાં સાંજે બધા મિત્રો અમે ભેગા થઈ બેશીએ છીએ એ વહીવટ ઘણા વખતનો પ્રસિદ્ધ છે. હું, દાક્તર રામસિંગ, ભલાભાઈ, રામેશ્વર, ભાઈલાલ ઈન્સ્પેક્ટર, દાક્તર મનીઆર, માસ્તર અગરવાળા, એટલા ત્યાં બેઠા હતા. મરનારે દાક્તરને કહ્યું કે આજ તો છાતીમાં બહુ દરદ થાય છે. દાક્તરે કંપાઉન્ડરને કહ્યું કે Dover's powderનાં બે પડીકાં આપો. કંપાઉન્ડરે આપ્યાં તે તેણે ખીસામાં કે પાઘડીમાં મૂક્યાં કેમકે દાક્તરે કહ્યું હતું કે રાતે સુતી વખતે ખાજો. પડીકાં લઈને જતે જતે તે માણસને ભલાભાઈએ કહ્યું કે મણિલાલના કેસનું સમાધાન કરો, એટલે તે મારી પાસે બેઠો. તે માણસ મને ઘણી વાર મળતો અને કહેતો કે મારો જમાઈ (દાવો કરનાર) મારી દીકરીને રાખતો નથી તેનું સમાધાન કરી લેવાનો મને આ લાગ મળ્યો છે માટે તે સમાધાન થયેથી હું જરૂર દાવાનું સમાધાન કરાવીશ. એની એ જ વાત તેણે પુનઃ મને કહી બતાવી, અને ગયો. જતો હતો તેવામાં ભાઈલાલ ઈસ્પેક્ટર કે જે તેનો સ્નેહી હોવાનું કહેતો હતો ને કહે છે તેણે મશ્કરી કરી કે બાબર દવા શું કરવા લે છે તારી નવી રાંડવાની છે. બાબરે તેની મશ્કરી કરી કે મરી જઈશ તો પણ તને મૂકવાનો નથી, ભૂત થઈને વળગીશ. આ રીતે ગંમત થયા પછી તે માણસ ગયો અને અમે બધા અર્ધો પોણો કલાક વાતચીત કરી રોજના પેઠે આઠ વાગે ઘેર ગયા. ઘેર ગયો ત્યારે મેં સાંભળ્યું કે બાબર રસ્તામાં મરી ગયો; એ સાંભળીને મને દલગીરી થઈ કે હવણાં સારો સાજો આવેલો માણસ મરી ગયો ! બીજો દિવસ થયો, બપોર થયા, ત્રણ વાગ્યા. તે વખતે મને મારા મિત્ર કેશવલાલે કહ્યું કે ગામમાં એમ વાત ચાલી છે કે બાબરને મણિલાલે દાક્તર પાસે ઝેર અપાવીને મારી નાખ્યો. આનો પણ મેં હીસાબ ન લેખ્યો કેમકે મારા જે પ્રતિપક્ષીઓ છે તે ગમે