પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી
૧૬૩
 

મોત નીપજ્યું લાગતું ન હતું; ને એક જેણે તેની દવા કરી હતી તેણે સ્પષ્ટ કહ્યું ને લખી આપ્યું કે તેને heart disease હતો અને મરવાને દિવસે જ તેને મેં તપાસીને ચેતવણી આપી હતી. આમ થવાથી વાત શાંત થઈ ગઈ. લોકોએ તો પાંચછ દિવસમાં જ પોતાનો વિચાર બદલી વાતને જુઠી માની હતી.

આ પ્રસંગ શોચનીય બન્યો. ઘણાક મને એમ કહેવા લાગ્યા કે દાક્તરને ત્યાં બેશીને ગંમત કરવાથી આ અકસ્માતમાં તમારે લપટાવું પડ્યું, માટે એ વાત મૂકી દો; પણ મારા મનને એ વાત બહુ નીચી લાગી કે આવી ક્ષુદ્ર વાતને લીધે મારે એક સ્નેહી તજવો. મેં તેમ કર્યું નહિ જ. પરંતુ આ પ્રસંગમાંથી મારા મિત્રામિત્રની સારી પરીક્ષા મને થઈ, તેમ જ મારામાં આવે સંકટને સમયે કેટલું ધીરજ રાખવાની શક્તિ છે તેનું અનુમાન કરવાનો પ્રસંગ મળ્યો – એ બે વાતમાં મને સંતોષ થયો કે જે મારા મિત્રો છે તે મિત્રો જ છે, અને દુ:ખ ન પામતાં ગભરાટ ન લાવતાં ધીરજથી ટકવાનું પણ સામર્થ્ય મને ઠીક છે. માત્ર એટલી જ રુચિ વારંવાર થયાં જાય છે કે ક્યારે સંન્યાસ કરી શકાય ! છોકરાં નાનાં છે, ભાઈ છે, માતુશ્રી છે, તેમને નિરાધાર મૂકવાં એ પણ પાપ છે એમ સમજીને જ વિટંબનામાં પડી રહેવું પડે છે.

પાટણ જૈન ભંડારની તપાસનું કામ પૂર્ણ થઈ રીપોર્ટ થઈ ગયો છે તેનો આઠ માસનો પગાર રૂ ૨૮૦૦) આવી ગયો તે ઘર કરવામાં ગયો. એ પ્રસંગમાંથી રા. બ. આઠલે સાહેબને મારા કામથી બહુ સંતોષ થયો છે તેથી તે હવે (પ્રથમ પ્રતિકૂળ હતા તે) અનુકૂલ થયા છે અને વડોદરામાં કાંઈક કાયમે ગોઠવણ થવાનો સંભવ છે. કચ્છના દીવાન રા. મોતીલાલભાઈ તે - પણ હવે (પ્રથમ મને કચ્છ લેઈ જવામાં પ્રતિકૂલ હતા તે) અનુકૂલ થયા છે. તેમણે ૫૧ વર્ષની વયે મૂર્ખાઈ કરી – પરણ્યા – તેમાં યતકિંચિત્ હું સહાય થઈ શક્યો એમ લગાવાથી તે અનુકૂલ થઈ ગયા છે. દુનીયાં શી સ્વાર્થમય છે !! પોતાના સ્વાર્થને આધારે અનુકૂલતા-પ્રતિકૂલતા ચાલે છે. વડોદરાનું કામ ચાલે છે. પુસ્તકો સાત છપાય છે. તૈયાર થશે ત્યારે જોઈ આપીશ. ચીકાગોમાં જે ધર્મસમાજ ભરાવાનો તેમાં Hinduismનો પેપર મોકલ્યો હતો તે એટલો બધો પસંદ પડ્યો કે પ્રસન્નતા દર્શાવી ચેરમેને બીજા દસ પ્રશ્ન મોકલ્યા, તે પ્રશ્નોનાં ઉત્તર મોકલ્યાં અને પત્રમાં લખ્યું કે તમે મને ત્યાં આવવાનું લખો છો (ચેરમેને લખ્યું હતું) પણ દ્રવ્યના અભાવે તે બને તેવું નથી. આનું ઉત્તર આવ્યું કે જવાઆવવાનો ખર્ચ અને ત્યાં રહેવાનો ખર્ચ