પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
મ.ન.દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

અમે આપીશું તમે આવો. આ ઉત્તર આઠ દિવસ થયાં આવ્યું છે. એ સિવાય વધારે દ્રવ્યની અપેક્ષા છે કેમકે સાથે માણસ જોઈએ અને વાપરવા પૈસા જોઈએ તથા હિંદુ રીતે રહેતાં વધારે ખર્ચ થાય તે જોઈએ. તે માટે રા. રા. હરિદાસભાઈ તથા રા. રા. મનઃસુખરામભાઈને કહ્યું છે. તેમણે અંતઃકરણથી પ્રયાસ આરંભ્યો છે. જો કાંઈ બની આવશે તો તા. ૧૧મી કે ૧૮મીની મેલમાં જવું એમ નિશ્ચય રાખ્યો છે. કેવો આનંદ ! આપણા વેદાન્તના સિદ્ધાન્તો આખી દુનીયાં આગળ મુકવાનો કેવો સંધિ ! પણ પૈસા- પૈસા–એ જ અડચણ નડે છે ! અરે ભાવિ ! પૈસા લાવ, ઉપજાવ, આર્યભૂમિ ! સમય જાય છે.

ખાનગી પ્રેમ સંબંધી જે છોટુ અને તેની સ્ત્રીનો તેમાં બહુ સંતોષકારક વૃદ્ધિ છે. રામ તો મારા ઉપર બહુ જ પ્રેમ રાખતી થઈ છે, પણ તેમાં તેના સંસારનો નિર્વાહક હું છું એ બુદ્ધિ જ પ્રેમનું બીજ સમજાય છે. શુદ્ધ પ્રેમ નથી. છોટુને પણ તેવું જ હોય એમ લાગે છે, આજથી પાંચ દિવસ ઉપર જે પૂર્ણિમા ગઈ તે દિવસે આ બુદ્ધિ સ્પષ્ટ જણાઈ ગઈ; અને આ સંબંધ કેમ કરીને મટે ? મૈત્રી રહ્યાં કરે પણ જે આ અન્ય સંબંધ છે તે જાય એવું શી રીતે થાય ? એવી મારી ચિંતાનું દ્વાર જ મળ્યું ! હું વડોદરે હતો – છોટુને ઘેર જ ઉતર્યો હતો – ગુરુપૂર્ણિમા હોવાથી છોટુની બહેન અને તેનો વર તેમના ગુરુ પેલા નરસિંહાચાર્ય નામના છે તેને માટે આવ્યાં. રામના મનને મહાચિંતા થઈ, છોટુને પણ વ્યગ્રતા થઈ, એ લોકો મારે ઘેર ઉતરશે, તમે અહીં છો, બાયડ ભેગાં અમે ખાઈએ તે દેખશે, શું થશે, આવી વ્યગ્રતા મને તેમની વાણીમાં, આકૃતિમાં સમજાવા લાગી. તેની ખરીખોટી પરીક્ષા કરવા માટે મેં કહ્યું કે હું બીજે ઠેકાણે જઈશ એટલે તમે કશી ફીકર ના કરશો. ત્યારે કહે કે ઠીક છે. એમ કરતાં તેની બહેન આવી ને તેને ઘેર ઉતરી. તેનો બનેવી તો કહીંક ઉતર્યો. પરંતુ હું તો મારા એક મિત્રને ત્યાં જ જમતો હતો ત્યાં મેં મારો સામાન મગાવી લીધો ને તેમણે મોકલ્યો ! અહો ! શી પ્રેમપરિસીમા!

સંવત્ ૧૯૪૮ના આષાઢ સુદ ૧૫ની રાતે બાર વાગે એ બન્ને વડોદરેથી નડીયાદ આવી મને ભેટ્યાં હતાં. સાથે કમલ લાવ્યાં હતાં, ને કહેતાં હતાં કે ગુરુપૂર્ણિમા છે તેથી ગુરુપૂજા કરવા આવ્યાં છીએ.

સંવત્ ૧૯૪૯ના આષાઢ સુદ ૧૫ ઉપર હું વડોદરે જઈ તેમને ઘેર રહેલો ત્યાં રાતે આઠ વાગે તેમના ઘરમાંથી મારો મુકામ ઉઠાવવો એ સૂચના મળવાથી સામાન મેં મગાવી લીધો તો તેમણે મોકલી દીધો !