પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬. વડોદરાની ખટપટ


તા. ૧૯-૯-૯૪
વડોદરા
 

આજ મારો જન્મદિવસ છે. આજ સાડાતેર મહીને અત્ર લખવાનો આરંભ કરું છું, મારા ખાનગી ઓરડાના મારા અંતરાત્મારૂપી ઈશ્વર આગળ મારા મનને રમાડું છું. લખવાની વાતો અનેક છે, પણ અહા ! શો અકસ્માત્  ! શી અગાધ, અસીમ, એકરૂપ પરમાત્માની મારા ભાવિ ઉપર ર્દઢ છાપ ! આ દુનીયાં ઠગારી, લુચ્ચી, અન્યાયી, સ્વાર્થી છે. એને છોડી સંન્યાસ વિના અન્ય આશ્રય કે અન્ય આનંદનું સ્થાન નથી. આવી સૂચનાઓ મને વારંવાર થાય છે. એ વિષે હમણાં લખીશ. પણ આ અકસ્માત્ જ મને ચિંતામાં ગરકાવ કરે છે. ૩૧-૭-૯૩ની મારી નોંધના છેલા બેત્રણ પેરેગ્રાફ વાચું છું અને આજ ૧૯-૯-૯૪ને દિવસે મારી જે વૃત્તિ એ જ સંબંધમાં થઈ છે તે જોઉં છું તો એકની એક જ છે. જાણે એ ૩૧-૭-૯૩ને દિવસે જ આ લખતો હોઉં તેવી છે. વચમાં મારા મનને પરમ પ્રતીતિ થઈ ગયેલી તેવા પ્રસંગ અનેક આવી ગયા છે. હું પાછલી વાત બીલકુલ વીસરી જઈ, હવે આ બે વિના પ્રેમ એવી વસ્તુ જગતમાં કહીં નથી એવા મસ્ત વિચારોના તરંગમાં તણાયેલો એવા પ્રસંગ પણ આવી ગયા છે. છતાં આ લખવાનો આરંભ કરતી વખતે વૃત્તિમાં જે ભાવ છે તે ૩૧-૭-૯૩ એ જે નોંધ છેવટે કરી છે તેનો તે જ છે. સંવત્ ૧૯૪૯ના આષાઢ સુદ ૧૫નો બનાવ મેં છોટુના સંબંધે લખ્યો છે. તે પછી થોડેક દિવસે હું વડોદરે પાછો આવેલો અને મારા સ્નેહી પ્રલ્હાદજીભાઈને ઘેર ઉતરેલો. છોટુ ત્યાં આવે ન આવે એમ ચાલતું હતું. એક દિવસ અકસ્માત્ એના ખીસામાંથી એક કાગળ એના સમક્ષ મેં તાણી લીધો તો તે કાગળ મને જ લખેલો હતો. એની મતલબ એવી હતી કે “અરે પાપી, ચાંડાલ, રાક્ષસ, મારી નાંદોદવાળી પ્રાણપ્રિયાનો વિયોગ પડાવનાર ઘાતકી ચાંડાલ, તું તારી મેળે મારી આંખો આગળથી ને મારા ઘરમાંથી ટળ્યો

૧૬૬