પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી
૧૬૭
 

તેથી હું બહુ ખુશી છું.” આ જાતનું લખાણ હું એના ઘરમાંથી એની બહેન આવવાને લીધે ગયો તેને ઉદ્દેશીને લખ્યું હતું. મારા મનમાં એમ થયું કે હવે આ માણસમાં કોઈ અર્થ રહ્યો નથી, છતાં રખેને હું એને અન્યાય કરૂં એમ ધારી હું કાંઈ બોલ્યો નહિ. એણે તુરત જ રડી દીધું અને એને ઘેર લઈ ગયો તથા ત્યાં એવો રોવા લાગ્યો કે “માફ કરૂં છું” એવું વચન મારી પાસેથી મળ્યું ત્યાં સુધી છાનો રહ્યો નહિ. વળી પાછું ગાડું હતું તેમને તેમ ચાલ્યું. આવવું જવું, એની સ્ત્રી હું એ બધાં નિકટ રીતે રહેતાં તેમ રહેવા લાગ્યાં. એમ કરતાં ડીસંબર ૧૮૯૩માં હું વડોદરે જ રહેવા આવ્યો. એ વાતથી છોટુને મારા એક પરમ મિત્ર તરીકે જે ખુશી થવી જોઈએ તે થતી મેં જોઈ નહિ. મારા અહીં રહેવા આવવા પછી મને માલુમ પડ્યું કે દારૂ પીવાની જે ટેવ તેણે નાંદોદમાં હતી તે છોડેલી તે પાછી વારતહેવારે પકડેલી છે, ને તે ઉપરાંત ગાંજો સારી પેઠે પીવા માંડ્યો છે. એ ખરાબ લતમાં એને પાડનારી સોબત એણે કેટલાક હલકા ગવૈયા વગેરેની કરેલી તે જ છે એમ પણ હું સમજ્યો. એ અને એની સ્ત્રી મારે ઘેર આવવા, જવા, ખાવા પીવા લાગ્યાં. રાત રહેવા લાગ્યાં, હું એમને ઘેર જવા આવવા રાત રહેવા લાગ્યો ને ઘણો સારો સંબંધ ચાલ્યો. એમાં એકાદ મહીના પહેલાં જ પાછો આચકો લાગ્યો. અને છોટુએ ક્રોધ કરીને એક વાર રાતે મારા ઘરમાં જ મને કહ્યું કે અમે અહીં રહેવાના નથી લોક અમને ખોટું કહે છે. મેં કહ્યું ભલે જાઓ, ખોટું કહે છે તેમ તમને લાગતું હોય તો ના કરશો. એ ગયો. વળી બે ચાર આઠ દિવસ ટંટો ચાલ્યો. છોટુ આવે નહિ ને બોલાવેથી પણ આવે નહિ. છેવટ હું તેને ઘેર ગયો તો નાશી જવાના ને નીકળી જવાના વિચારોમાં તેને મેં રોકાએલો દીઠો. મને બહુ દયા આવી. પાછું સમાધાન થયું ને વળી ચાલ્યું. એવા એકાદ પ્રસંગે જ મેં “અહા હું એકલો દુનીયાં બીયાબાંમાં સુનો ભટકું" એ ગજલ લખેલી છે. એના ઘરનો આખો ખર્ચ માટે ચલાવવો પડતો, કેમકે એના પગારના પૈસા તો એ બારોબાર ગમે તેમ ઉડાવી દેતો. સારાં ભારે લુગડાં લત્તાં એને તથા એની બૈરીને જોઈએ તે પણ મારે જ લાવી આપવા પડતાં. ગાડી, રેલવે ભાડાં પણ મારે જ આપવાં પડતાં. કુલ એકંદરે એ માણસ સાથે આવો ખાનગી સંબંધ થયા પછી જે પૈસા આપવાની રીત ચાલતી થઈ તેમાં મને લગભગ રૂ ૧૦૦૦) એક હજાર જેટલો ખર્ચ થઈ ગયો છે એમ આજ તપાસ કરતાં મને જણાય છે. તેથી હું દલગીર નથી, હજી કરવો પડે તો પણ દલગીર નથી, પણ જે વાત અત્ર લખું છું તેના ખુલાસામાં આ વાત