પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી
૧૬૯
 

કે જેમાં આવો સંબંધ પાપકર્તા નથી, તે સમજાવવા ઘણીવાર પત્રો લખ્યાં છે, અનેક કવિતાઓ “યારી મસ્તોની”, “આ જામે ઇશ્કમાં,' “જવા દે પ્યારી” “–એવું બતાવે કોઈ આજ” ઈત્યાદિ લખેલી છે. એ ધોરણ તું પકડી શક્યો નથી, આપણા પ્રેમની કસોટીના ધોરણરૂપે લોક, દુનીયાં અને તારી લાડી એ જ થયાં છે, તો હવે હું પ્રતિજ્ઞા કરીને કહું છું કે તારી સ્ત્રી આજથી મારી બહેન છે, અને એથી આપણો સંબંધ તૂટી જશે એમ ન ધારીશ. અનુભવનો જ સર્વત્રથી ઉપયોગ લેવાનો છે, પ્રેમનો પરિપૂર્ણ અનુભવ તે કરાવ્યો છે, ને જે વાત હું મારી મેળે થોડે વખતે કરત તે તેં આજ કરાવી તેમાં કાંઈ હાનિ થઈ નથી. મને આ પ્રેમાનુભવથી અન્ય પ્રેમની રુચિ નહિ રહે ને પરમાત્મામાં ચિત્ત ઠરાવવાનો માર્ગ મળશે તો તું પણ એટલે અંશે ગુરુ છે. અર્થાત્ આપણો સંબંધ છે તે છે, જવાનો નથી, તારું સ્મરણ પ્રેમ અને ઉપકાર વિના બીજી કોઈ વૃત્તિથી મને થવાનું નથી” ઈત્યાદિ. આ પત્ર ગયા પછી તો ઉલટી તેની વૃત્તિ મને વધારે ઉદાસીન લાગી. રૂબરૂ ખુલાસો કર્યો તો કહે કે રામ મને બહુ સતાવે છે, લોક આમ કહે છે તેમ કહે છે, નાત બહાર મૂકે, ઇત્યાદિ વાતો મને હેરાન કરે છે, માટે એને પડતી મૂકવી સારી વાત છે. મેં કહ્યું એ વાત મને કબુલ છે, પણ તું શા માટે આવતો જતો નથી ? તો તેનો કંઈ ખુલાસો એ કરી શકતો નથી, એ પોતે પણ લાડીની પાસે સેવા કર્યાં કરે છે, આવતો જતો નથી જ. આ પ્રેમનો આવો અંત આવ્યો છે ! દુનીયાં બેવફાઈ અને સ્વાર્થની જ બનેલી છે !

જગતના મહાતંત્રમાં જેને જ્ઞાનનો સ્પર્શ થયો છે તેને કેવા કેવા અનુભવ થાય છે ! આ અનુભવથી મારું મન ઐહિક પ્રેમપાત્ર ઉપરથી તદન વિરક્ત થઈ ગયું છે – છતાં જાણે એક યંત્રને ચાલવાની ટેવ પડી હોય ને હાલ્યાં જ કરતું હોય તેમ મન કોઈ કોઈ વાર સ્ત્રીસંગ ભણી આકર્ષાય છે, આમતેમ શોધ કરવા દોડે છે, – જો કે હજી કાંઈ કર્યું નથી – છોટુની વહુ ના હોય ત્યારે વચમાં એકબે કામ કરનારીઓ ઘરમાં આવતી તેમને પણ મેં મૂકી ન હતી એમ અધમતામાંએ પડી જવાય છે.

મી. આઠલે સાહેબે મને વડોદરામાં આણવાની ધારણા કરેલી તે અનુસાર વ્યવસ્થા કરી પાંચ માસ માટે આણ્યો. તે મુદત આખરે રિપોર્ટ કરી કામ જોઈ આગળ વધારવાની વ્યવસ્થા થવાની, પણ તે પૂર્વે તો તેમનું મરણ થઈ ગયું. દી. સાહેબે મારા સંબંધનું કામ હરગોવદાસને વિરુદ્ધ જાણી પંડિત જડજને સાંપ્યું. તેમણે સર્વ રીતની અનુકૂલતા દર્શાવી ત્રણ માસ વળી