પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
મ. ન. દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

વધાર્યા અને ફરીથી બધા કાગળ જોઈ વધારે મુદત માટે લખીશ એમ ઠરાવ્યું. એવામાં સુદર્શનમાં મેં “ગૂજરાતના લેખકો” એ આર્ટિકલ લખ્યો. હરગોવનદાસને તેથી માઠું લાગો, અગર અને વડોદરામાં રહેવા દેવાને જ તે ખુશી ન હો કે ગમે તેમ હો, પણ તેમણે મહારાજ સાહેબને મારી વિરુદ્ધ કાંઈક ખાનગી રીતે લખ્યું તથા પંડિતને આડુઅવળું સમજાવી કાગળો લઈ લીધા અને તે ઉપર મારી વિરુદ્ધ અભિપ્રાય લખ્યો. દીવાને રૂબરૂ ના કહ્યા છતાં, આઠલે જીવતા હતા ત્યારે તેવી ને તેવી અડચણ તેમણે ઉઠાવેલી તેનો તેમણે રદીઓ કરી મને અત્ર નીમ્યા છતાં, હાલ તેમણે આવું કર્યું. એ ઉપર દિવાને બધા કાગળો જોઈ છેવટ નીકાલ કરતા સુધી બે માસની વળી મુદત આપી – જે સપ્ટેમ્બર આખરે પૂરી થનાર છે.

આ દશ માસમાં એવું બન્યું કે એક બાપટ કેસ રાજ્યમાં પેદા થયો. એ સંબંધે અમદાવાદ ટાઈમ્સ નામના પેપરમાં મારો જૂનો મિત્ર રા. બાળાશંકર ઉલ્લાસરામ કે જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં આ. સેક્રેટરી તરીકે નોકર રહ્યો હતો તે લખતો હતો અને દીવાનની વિરુદ્ધ લખતો હતો. તે અટકાવવા દીવાને ઘણા પ્રયાસ કર્યા પણ કાંઈ ન મળ્યું ત્યારે કોઈએ મારું નામ આપવાથી મને બોલાવ્યો. દીવાને મારા ઉપર જે ઉપકાર કરેલા તે લક્ષમાં લેઈ મેં એ કામ કરી આપવા માથે લીધું. વિરુદ્ધ લખાણ અટકાવ્યું. દીવાને પેપરના માલીકને રૂ. ૧૨૦૦) આપ્યા, અને બાળાશંકરને વધારે રકમ આપવાની હતી, પણ મારા મિત્ર રા. રા. ગજ્જરને એના જેવો એક હોશીઆર માણસ જોયતો હતો, તેથી ત્યાં એને રખાવી દીવાને એને જે આપવાનું તે બંધ રખાવ્યું. ઘણી નબળી સ્થિતિમાં આવી પડેલા આ જૂના મિત્રને હું આ પ્રમાણે પણ કાંઈક મદદ કરી શક્યો તેથી મારા અંતરાત્માને સંતોષ થયો, અને પ્રાચીન મૈત્રી તાજી થવાથી ખુશી થઈ. આ મિત્રે વડોદરામાં નિવાસ કર્યો, અને મારે ને હરગોવનદાસને આવો અણબનાવ થયો જોઈ તેણે બારોબાર અમદાવાદ ટાઈમ્સમાં હરગોવનદાસના વિરુદ્ધ ઘણું જ લખાણ ચલાવવા માંડ્યું જે હજી ચાલે છે. એથી ઘણી ચર્ચા થઈ છે, દીવાન તથા અનેક મિત્રો મને તે અટકાવવા કહે છે. મેં તો એક અક્ષર પણ લખ્યો નથી, બાળાશંકરે પણ લખ્યો નથી, લખનાર બીજા છે પણ અમારા કબજાના છે, ને હવે એ અટકાવવું એવી મારી પણ ઈચ્છા થઈ છે. એમાં કાંઈ અર્થ નથી, આપણે એમ સારા દેખાતા નથી; ને દીવાન કે જેણે આટલો ઉપકાર કરેલો તે નારાજ થાય એવું કરવું નહિ.