પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી
૧૭૧
 

હરગોવનદાસે મારાં ભાષાન્તરો તપાસવાની માગણી કરેલી તે ઉપરથી મેં તેમના વિરુદ્ધ એક આફીશીયલ લખાણ હજુરમાં મોકલ્યું છે એમ માગણી કરીને કે હરગોવનદાસ મારા ઉપરી થઈ શકે નહિ ને થાય એવો શ્રીમન્મહારાજાના પાછલા હુકમોનો ઉદ્દેશ પણ નથી. એની સાથે બાલવિલાસ વિષેનું મારૂં લખાણ, તથા અહીંની શાળા કમીટીના રિપોર્ટમાં હરગોવનદાસે મારાં ભાષાન્તરો વિરુદ્ધ લખાવેલું તેનો પૂછવાથી આઠલેને મેં લખેલો ખુલાસો, વગેરે કાગળો પણ સામીલ રાખ્યા. આ કાગળો દીવાનને મોકલી આપતાં મેં ખાનગી ચીઠીમાં લખ્યું કે આપે મને આજ પર્યંત ઉપકાર વિના બીજું કાંઈ કર્યું નથી, હવે આપની પોતાની સ્થિતિ અહીં બારીક થઈ ગઈ છે, તે વખતે આપને મારે માટે કાંઈ કરવું અડચણભરેલું લાગે તો મારા આ કાગળો ઉપર મારી વિરુદ્ધ ઠરાવ કરવો જેને આધારે રાજીનામું આપી હું ચાલ્યો જઈશ. આની આ વાત મેં અનેક મિત્રો મારફત તેમને કહેવરાવી, તેમના ને મારા સામાન્ય મિત્રો રા. રા. હરિદાસભાઈ, મનઃસુખરામભાઈ વગેરે પાસે કહેવરાવી, પણ તેમણે સ્પષ્ટ ના પાડી અને કહ્યું કે જોઈએ છીએ વાણીઓ શું કરી શકે છે, તમને જવા દેવાના નથી. આ ઉપરથી જ હું રહ્યો છું, આજકાલ હવે મારી મુદત વિષેનો નીકાલ થવાનો છે, પણ મને આ રાજ્યની રીતભાતથી, તથા ઉપરનો પેપરોના લખાણનો પ્રસંગ બનવાથી, બહુ કંટાળો આવી ગયો છે. આ રાજ્યમાં અન્યાય, સીફારસ, ને ખુશામત વિના બીજું કાંઈ ચાલતું નથી. ખરી વાત કોઈ જોતું કે તપાસતું નથી, અને મહારાજ પોતે મોટા મહોટા વિચારવાળા પણ અતિશય નબળા મનનો, કાચા કાનનો, અને હું જ ડાહ્યો છું એવી અક્કલની બડાઈમાં ગાંડો થઈ ગયેલો માણસ છે. આ કાજળની કોટડી છે, એમાં હું આવીને ફસાયાથી પસ્તાઉં છું, વગર ડાધે જવાય તો સારૂં. રા. ગજ્જરને ને મારે હતો તેવો સારો સ્નેહ પાછો સંધાયો છે, તેમનાં અનેક કામમાં હું તેમને દરરોજ સવારે જઈને મદદ કરું છું. એમનો વિચાર મને સ્વતંત્ર ધંધો સોંપી તેમાંથી મારા હાલના પગાર જેટલી પેદાશ થાય એમ કરી આપવાનો છે ને તે વિચાર મને પણ અનુકૂલ છે. તેની જ વાટ જોઉં છું.

અન્ય મિત્રોમાં રા. પ્રલ્હાદજીભાઈને ને મારે બહુ સારો સ્નેહ જોડાયો છે. બીજા જે જે મિત્રો છે તે ઘણી સારી રીતે સ્નેહ ચલાવે છે. લાઠીના ઠાકોર પણ દિવસે દિવસે બહુ સ્નેહ બતાવે છે, અને એમને હવે ગાદી મળવાનો સમય પાસે છે, તેમાં મને તે પોતાની પાસે રાખી લે તો ઠીક એમ મારા