પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી
૧૭૩
 

વ્યવહાર કર્યો છે.

અધ્યાત્માભ્યાસમાં દિનપ્રતિદિન સારો લાભ થાય છે. સપ્તશતીના પાઠ ૧૦૦૦ થઈ જવાથી હવે બંધ કર્યા છે. બાકીનો જે ધ્યાનાદિક્રમ તે ચાલે છે. અનેક પ્રસંગ એવા થાય છે કે મને તે વખતે કોઈ અવાચ્ય આનંદમાં લીન થઈ જાય છે. એ આનંદ બહુ ક્ષણિક રહે છે, પણ એવા પ્રસંગ વારંવાર બને છે એ સંતોષકારક વૃદ્ધિનું ચિહ્ન છે. એ આનંદ કાયમ રહે તો જગત્ માત્ર લય થઈ જાય. નાના પ્રસંગો પણ કોઈ વિલક્ષણ મઝા કરાવી દે છે. એક વાર બાળાશંકરના તેડવાથી અમદાવાદ ગયો. ઘણા હતા. જમવા બેઠા ત્યાં અમદાવાદ ટાઈમ્સના માલીકને કારભાર કરતો જોઈ, તથા વાણીઆની પ્રકૃતિ પ્રમાણે રસોઈમાં થયેલી ખરાબી જોઈ, મનમાં એમ ક્ષોભ થયો કે વડોદરાના દીવાન અને અમદાવાદ ટાઈમ્સનું સમાધાન કરી આપ્યું તે સંબંધથી તેની પાસે તો બાળાશંકરે આ જ્યાફત નહિ કરાવી હોય ! ને એમ હોય તો આપણે જમવા આવ્યા તે ખોટું કર્યું. મન આવી શંકામાં બહુ ક્લેષ પામ્યું એવામાં જમતી વખતે જે કવિતા બોલવાનો રીવાજ, તે પ્રમાણે સાંકળચંદ શેઠ બોલ્યો कश्र्चिद्भूमौशायी ઈત્યાદિ. એ સાંભળતાં જ સમાધાન થઈ ગયું ને પરમાત્માની ખુબીના આનંદમાં મસ્ત થઈ જવાયું; જે શાન્તિ વ્યાપી તે કહી શકાતી નથી. હવણાં વડોદરામાં બાળાશંકરને ઘેર શ્રાદ્ધ હતું. જમવા ગયો હતો. જમતે જમતે મનમાં જ વિચાર આવ્યો કે “હરગોવનદાસ સાથે આ વિરોધ અને આ પેપરોની મારામારી ને આ ફજેતી બધું શા માટે જોઈએ?” વળી એમ સમાધાન થયું કે શું સત્ય માર્યું જવા દેવું ? દુનીયાંમાં સત્ય તો માર્યું જ જાય છે; છોટુએ તારા સત્યની કેવી પરીક્ષા કરી તે જોઈ કે નહિ ? વળી પ્રશ્ન થયો કે ત્યારે એમાં આપણો વાંક હશે તો ? દુનીયાંને માટે આપણે નાલાયક હોઈશું તો ? સમાધાન થયું કે ના, ના, દુનીયાં જ આપણે માટે નાલાયક છે. પરમાત્માની પીછાન કરનારને દુનીયાં જ નકામી છે, ને તે જ્ઞાન જ એને ખાવા ખુબ સખ્ત માર મારી કંટાળો ઉપજાવી દુનીયાંથી છોડવે છે. માટે જે થાય છે [તે] ઠીક જ છે, સંન્યાસને માટે પાકી તૈયારી છે. આવા વિચારમાં મન આનંદ પામી ગયું, અને “બેવફાઈ” જ સર્વથા ગુરુ છે એમ નિશ્ચય થયો. જમી ઊઠ્યા, બીજી વાતચીતો કરતા હતા, એવામાં એકાએક બાળાશંકર બોલી ઊઠ્યો, “મણિલાલ ! તારો સંસ્કાર બહુ ઓર છે, હજી તારે માટે કોઈ ભવ્ય ભવિષ્ય બાકી છે, અને આ બધું જે થાય છે, ને આજ પર્યંત થયું છે તે તે માટેની તને તૈયારી છે એમ માનજે.” મારૂં મન