પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪
મ. ન. દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

ચમકી ઉઠ્યું, અહો ! મારા મનની વાત આણે શાથી કહી ? એ વાત મેં એને કહી બતાવી, એટલે બહુ આનંદ થયો, તેમાં એણે મેક્ષમ્યૂલરે આ વર્ષના માર્ચમાં વેદાંત વિષે કરેલાં ભાષણો યાદ કર્યા, ને ચોપડી પડી હતી તે લઈ એકબે ફકરા વાંચી બતાવ્યા. મેં ચોપડી લેઈને પાનાં ફેરવવા માંડ્યાં તો નીચે પ્રમાણે શબ્દો ઉપર નજર ઠરી “The divine origin of man is continually inculcated to stimulate his efforts to return, to animate him in the struggle, and incite him to consider a re-union and re-incorporation with divinity as the one primary object of every action and exertion.” ત્રણ જુદા જુદા અકસ્માત્ અને ત્રણેમાંથી એકની એક જ વાત ! શું ઈશ્વર જાતે આવીને કહે કે હવે દુનીયામાં સાર નથી, પરમાનંદમાં નિમગ્ન થઈ સંન્યાસી થઈ જા !!! આ આનંદ વિલક્ષણ છે, મારૂં મન કહી શકતું નથી, વેદાન્તે જ ઊભો રાખ્યો છે. વેદાન્ત જ પાર પહોચાડશે. આજ વર્ષગાંઠને દિવસે આ વિચારથી જ આ નોંધનો છેડો આવ્યો એ પણ એક એની જ ખુબી છે !