બંને જણની ચીઠી આવી કે અમે તાવથી હેરાન છીએ, મરવા જેવી સ્થિતિમાં છીએ અને તમે સંભાળ નહિ કરો તો કોણ કરશે ? આ ઉપરથી પાછું મારૂં મન ઝાલ્યું રહ્યું નહિ અને હું ગયો. જઈને બન્નેને પાછાં મેં મારે ઘેર આણ્યાં. એમની સ્થિતિ મરણતોલ હતી, પથારીમાં બેશીને પણ ખાવાની એમને શક્તિ ન હતી. એમની બધી ચાકરી બરદાસ્ત મેં કરી, દવા, દાક્તર, અંગરેજ દાઈ, વગેરે તથા પૌષ્ટિક આહાર આદિ વ્યવસ્થા મેં રાખી જેથી તે બે મહીને સારાં થયાં. સારાં થયાં અને ગરજ મટી એટલે પાછી એ લોકોના મનમાં પ્રથમની અનાદરવૃત્તિએ પ્રવેશ કર્યો. વચમાં છોટુની રાખે હઠ કર્યાથી આશરે ૪૦) રૂપીઆ કલદારનાં કપડાં વગેરે પણ મેં તેને અપાવ્યાં; છોટુ માંદો માંદો પણ અમુકને ચાર રૂપીઆ આપો અમુકને બે આપો કહેતો તે પણ મેં આપ્યા. છતાં આ લોકોના નીમકહરામીપણાએ પાછું એમનું મન હલાવી નાખ્યું. મારા મનમાં પણ એ લોકોની આવી વૃત્તિ જોઈ એમ થયું હતું કે આ લોકો ગરજ પડે ત્યારે વળગી પડે છે ને પછી લાત મારે છે માટે હવે હમેશને માટે એ લોકોની પાકી પરીક્ષા સ્પષ્ટ કરી નાખવાનો વખત લાવવો જોઈએ. છોટુની આવી વૃત્તિ થવાનાં કારણો ત્રણ છે એમ હું સમજી શક્યો હતો. (૧) એની રાખેલી સ્ત્રીને એ વાત પસંદ ન હતી કે એની પરણેલી સ્ત્રીનો કોઈપણ રીતે હું પક્ષ કરૂં અથવા સંબંધ રાખું. તેથી તે છોટુને એવો ઉપદેશ કર્યા કરતી કે મણિલાલના સંબંધથી તારી ફજેતી અને નિંદા થાય છે. જે તારીખે હું આ લખું છું તે તારીખે મારા જાણવામાં આવ્યું છે કે એ સ્ત્રીએ નાંદોદમાં પણ કેટલાક લોકોને મોઢે મારે અને છોટુની સ્ત્રીને સંબંધ છે એ વાત ચર્ચી છે. આવી આ સ્ત્રીની ચાલ છતાં તેને છોટુ પોતાની પૂજ્ય માની તેના કહેવાથી એક રીતે ભરમાયો. (૨) માણસના મનમાં આવા ખોટા વિચારોની રાતદિવસ ચેતવણી થવા લાગી એટલે મેં એને આજ પર્યંત આપેલા પૈસા ઓછા પડવા લાગ્યા, અને વારંવાર જે જે જોઈએ તે અને જેટલો ખર્ચ કરવો હોય તેટલો હું કેમ નથી આપતો એ વાત એના મનમાં પેસવા લાગી. (૩) છોટુના બાપનો એક કાગળ મારા દીઠામાં આવી ગયો હતો. એનો બાપ એનું આખું કુટુંબ મહાસ્વાર્થી અને દ્રોહી રૂપે પ્રસિદ્ધ છે. આ છોકરો તેવો નહિ હોય એમ એની વર્તણુકથી લાગતું હતું, પણ એના બાપના કાગળમાં એને ઘણો ઉપદેશ હતો કે મણિલાલનો સંબંધ છોડી દેવો, એ તો બાયડ થયા છે એટલે હવે આપણે એમને મળવું નહિ. આખી નાતના લોકો મારી સાથે અનેક પ્રકારે પ્રસિદ્ધ સંબંધ રાખવા છતાં આ નીમકહરામ બાપે આવી સલાહ છોકરાને આપી
પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૭૯
Appearance