પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
મ.ન.દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

માત્ર ૪ વર્ષનું હતું.

હવે દોસ્તદાર તથા સ્ત્રી તરફથી પરવારી અભ્યાસ તરફ વિચાર કરીએ. ચોથા ધોરણમાં સંસ્કૃત તથા ગણિત તેમાં વિશેષે ભૂમિતિ એ વિષયો ન આવડયા એટલું નહિ પણ તે પર ઘણો અણગમો પેદા થયો; તેમાં સંસ્કૃત પર તો એટલે સુધી કે ક્લાસમાં એ વિષયનો આરંભ થાય કે હું ઉઠીને બહાર જતો રહેતો. પાંચમા ધોરણમાં બીજો અભ્યાસ સારો ચાલી મારો નંબર પ્રથમ રહેતો. પણ આ બાબતમાં સુધારો થયો નહિ. છઠ્ઠા ધોરણમાં પણ પાંચમાના જેવો જ અભ્યાસ ચાલ્યો, પણ અહીંયાં એક વાતની ખોટ ભાગનાર એક પૂજ્ય પુરૂષ મળ્યો. મારા વર્ગના માસ્તર સુરતના નાગર બ્રાહ્મણ છબીલરામ દોલતરામ હતા. તે જાતે ઘણો શોખીન તથા આનંદી માણસ હોઈ મારામાં જે સત્ત્વ તેમણે જોયું હશે તેને ખીલવવા ઘણી કોશીસ કરતા. યોગ એવો થયો કે તેને સંસ્કૃતનો અતિશય પ્રેમ હતો ને તે મારા એક પિતરાઈ કાકા રવિશંકર જે ગામમાં પ્રખ્યાત શાસ્ત્રી હતા તેમના પાસે સિદ્ધાન્તકૌમુદીનો અભ્યાસ કરતા. મને સંસ્કૃતમાં મોટી અડચણ લાંબા લાંબા અંગરેજી નિયમો યાદ રાખવાની હતી એ તેઓ સમજ્યા અને તેમણે મને પોતાની સાથે શાસ્ત્રીને ત્યાં લઘુકૌમુદી ભણવા માટે લઈ જવા માંડ્યો. આ અભ્યાસ ટુંકાં સૂત્રરૂપે તથા ભૂમિતિના પ્રોબ્લેમ જેવો હોવાથી મને તેમાં આનંદ પડયો; અને જાણે તેની જ મદદથી હોય તેમ ભૂમિતિના સિદ્ધાન્તો પણ મને આવડવા લાગ્યા. આ પ્રસંગમાં મારે ઘેરથી મારો અભ્યાસ બંધ પાડવા મારા પિતા ઘણી બૂમ મારતા. હું પણ કાંઈક રીતે તેમની મરજી ન રાખતો. એઓ કહે તેમ દેવપૂજા વગેરે ન કરૂં, શાક દૂધ લેવા જતાં તથા બ્રાહ્મણ તરીકે શ્રાદ્ધ સંવત્સરીમાં જમી દક્ષણા લેવા જતાં મારું લેસન પડે અથવા સ્કુલનો વખત ન સચવાય તેથી તેમાંનું કાંઈ કરતો નહિ. તો જેમાં મને સમજ ન પડે પણ જે તેમને ખરૂં જરૂરનું લાગે તેવું નામું લખવાનું તો કદી હાથ પણ ધરતો નહિ. મારાં પુસ્તક નિશાળ અને નવરાઈ મળે તો બાળાશંકરનું ઘર એ વિના બીજું હું સમજતો નહિ. માસ્તરો વગેરેના આડે આવવાથી મેટ્રીક્યુલેશન સુધી મને શાળામાં રહેવા દેવા ઠર્યો; તો પણ મારૂં ભણવું આમ અનિશ્ચિત છે એમ સમજી મેં આ વેળા ફર્સ્ટ ક્લાસ પબ્લીક સર્વિસ સર્ટિફિકેટ લઈ રાખ્યું હતું. હું સાતમા ધોરણમાં ગયો ત્યાં મારા હેડમાસ્તર દોરાબજી એદલજી ગીમી શિક્ષક હતા. તેઓ અંગ્રેજીમાં નિપુણ તથા નિયમિતપણું વગેરે સચવાવામાં તેઓ એકા હતા. તેમની મારા પર સારી મમતા હતી, ને અદ્યાપિ છે. તેમના